સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર માટે જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાય છે ત્યાં જ અવ્યવસ્થા
સિનિયર સિટીઝનો પણ દવા માટે પરેશાન થયાં
- Advertisement -
રોજના 250થી વધુ દર્દીઓ સામે માત્ર 12 કર્મચારીનો સ્ટાફ હોવાથી દવા વિતરણમાં સમય લાગી રહ્યો છે
દવા ન મળતાં દર્દીઓ કંટાળીને બહારથી મોંઘા ભાવે દવાઓ ખરીદવા મજબૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની જીવાદોરી સમાન અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે આશાનું કિરણ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતનો મુદ્દો હોસ્પિટલની દવાબારીમાં સ્ટાફની અછતને લઈને છે. છેલ્લા ઘણા સમયથી પૂરતા કર્મચારીઓ ન હોવાને કારણે દવા લેવા આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મળતી માહિતી મુજબ, દવાબારી ખાતે દરરોજ આશરે 200થી 250 દર્દીઓ લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બને છે. હાલ માત્ર 12 કર્મચારીઓ કાર્યરત છે, જે દર્દીઓની સંખ્યાને જોતા અપૂરતા સાબિત થઈ રહ્યા છે. પરિણામે દવા મેળવવામાં લાંબો સમય લાગતો હોય છે અને ઘણીવાર દર્દીઓ વચ્ચે બોલાચાલી તેમજ ઝઘડાના બનાવો પણ સામે આવે છે. ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલની દવાબારી આશીર્વાદરૂપ છે, પરંતુ સમયસર દવા ન મળતાં અનેક દર્દીઓ કંટાળીને બહારના મેડિકલ સ્ટોરમાંથી મોંઘા ભાવે દવાઓ ખરીદવા મજબૂર બની રહ્યા છે. આ સ્થિતિથી દર્દીઓની આર્થિક મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા સિનિયર સિટિઝન દર્દીઓ માટે અલગ દવાબારીની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ સ્ટાફની અછતના કારણે તે બારી પણ મોટાભાગે બંધ હાલતમાં રહે છે. જેના કારણે વયસ્ક દર્દીઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકારની મફત સારવારનો વાતો અહીં ખોખલી સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે.
આવી સ્થિતિમાં દવાબારી જેવી મહત્વપૂર્ણ સુવિધામાં તાત્કાલિક વધુ સ્ટાફની ભરતી કરી વ્યવસ્થા સુધારવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. હવે જોવું રહ્યું કે હોસ્પિટલ તંત્ર દર્દીઓની હાલાકી દૂર કરવા માટે કેટલું ઝડપી પગલું ભરે છે.
મંત્રી અને કમિશનર સિવિલમાં રૂબરૂ મુલાકાતે આવે તો હકીકત બહાર આવે!
રાજકોટ સિવિલ હોસ્પિટલની દવાબારીમાં અવ્યવસ્થા સર્જાઇ છે. જો રાજ્યના આરોગ્ય મંત્રી અને આરોગ્ય કમિશનર જાતે મુલાકાતે આવે તો સરકારના દાવાઓની પોલ ખુલી જાય. એસી કેબિનમાં બેસી બનાવેલી યોજનાઓ જમીન પર કેટલી નિષ્ફળ છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. સ્ટાફની ગંભીર અછતને કારણે દર્દીઓ કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે, વૃદ્ધો થાકી જાય છે, અને અંતે ઝઘડાની સ્થિતિ સર્જાય છે આ બધું તંત્રની બેદરકારી દર્શાવે છે. હવે પ્રશ્ન એ છે કે જ્યારે રોજ હજારો ગરીબ દર્દીઓ સિવિલ પર આધાર રાખે છે, ત્યારે પૂરતો સ્ટાફ કેમ નથી? ભરતી ફાઈલો ધૂળ ખાય છે અને દર્દીઓ દવા વગર રહે છે આ જવાબદારી કોની? શું સરકાર માત્ર જાહેરાતોમાં જ ‘સુવિધા’ આપે છે? આરોગ્ય મંત્રી અને કમિશનર એક દિવસ દવાબારીની લાઈનમાં ઊભા રહે, તો દર્દીઓની પીડા સમજાશે. હવે માત્ર આશ્વાસન નહીં, તાત્કાલિક ભરતી વ્યવસ્થામાં સુધારો જોઈએ.



