આરદેશણા અને સુનિલની જોડીએ લાખોનું કમિશન કટકટાવ્યાનો ગણગણાટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મનપા દ્વારા મેગેઝિન ખરીદી માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે જે ચીફ લાઈબ્રેરિયન આરદેશણાની સુચના મુજબ ડેપ્યુટી લાઈબ્રેરિયન સુનીલ દ્વારા છેલ્લા ઘણાં વર્ષથી અલગ નામથી ભરવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ પાછળ લાખ્ખો રૂપિયાનું તગડું કમિશન મેળવવામા આવે છે. અંગ્રેજી મેગેઝિન ખરીદી માટે આ બન્ને લોકો પાસે સંપૂર્ણ જ્ઞાનનો અભાવ છે ત્યારે તેઓ કોઈ કમિટીની રચના થવા દેતા નથી અને મનફાવે તેમ મરજી મુજબ અંગ્રેજી મેગેઝિન મંગાવી પસ્તી ભેગી કરી કમિશન મેળવી લેતા હોય છે.
વાચકોની માંગણી અને જરૂરિયાત મુજબ મનપાની લાઈબ્રેરીઓમાં અંગ્રેજી મેગેઝિન ઉપલબ્ધ થતાં નથી ત્યારે કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી લાઈબ્રેરીઓને બ્રિટિશ લાઈબ્રેરીઓ સમકક્ષ ગણાવાના બણગા ફેંકવામાં આવે છે. હકીકતમાં જ્યારે અંગ્રેજી મેગેઝિન ખરીદ કરવાના હોય ત્યારે કમિટી અનિવાર્ય બની રહે છે. અમદાવાદમાં આવેલી બ્રિટિશ લાઈબ્રેરી અને મુંબઈમાં આવેલી ડેવિડ સુશાન લાઈબ્રેરી જે બ્રિટિશ સંચાલિત છે તો પણ તેમાં મેગેઝિન પસંદગી કમિટી કાર્યરત છે જ્યારે રાજકોટના અલગઅલગ વિસ્તારોમાં આવેલી લાઈબ્રેરીઓ અતિ આધુનિક સુવિધાઓ સાથે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી છે. જેમાં ચીફ લાઈબ્રેરિયન આરદેશણા, ડેપ્યુટી લાઈબ્રેરિયન સુનીલ પોતાની ઘરની ધોરાજી મુજબ નીતિ નિયમો એકબાજુ મૂકી માત્ર કમિશન ક્યાંથી મળે તેનું ધ્યાનમાં રાખતા હોવાની ચર્ચા ચાલી રહી છે.
રાજકોટમા બીજી અન્ય લાઈબ્રેરીઓ પણ આવેલી છે જેમાં લાઇબ્રેરિયન પણ અંગ્રેજી ભાષામાં ભણતર મેળવેલ હોય છે ઉપરાંત સિક્યુરીટી ગાર્ડ અને પટ્ટાવાળાઓથી માંડી દરેક કર્મચારી અત્યંત કુશળતા મેળવેલ રાખવામાં આવે છે, તેઓ પાન-ફાકી ચઢાવી આંટા ફેરા મારતા જોવા મળતા નથી. જેથી તેઓ સમાજમાં વિશિષ્ટ નામના ધરાવે છે, માટે આવી લાઈબ્રેરીઓમા વાચકોને લાઇબ્રેરી પ્રત્યે સતત આકર્ષણ રહે છે. જ્યારે રાજકોટ મનપા લાઈબ્રેરીની વાત કરી તો તે વિશાળ જગ્યામાં અને પ્રજાના પૈસામાંથી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે પણ તેમાં જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા ચીફ લાઈબ્રેરિયન નરેન્દ્ર આરદેશણા અને રોજમદાર માથી ઉપાડી ડેપ્યુટી લાઈબ્રેરિયન તરીકે ઘૂસાડેલા સુનીલ દેત્રોજા આવી પ્રતિષ્ઠિત જગ્યાઓને પોતાના કોઠા કબાડાથી ભ્રષ્ટાચારગ્રસ્ત કરી નાખી હોવાનો આક્ષેપ વાંચકો તરફથી જ થઈ રહ્યો છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે એક સારા રીડર છે. જે મનપાની આધુનિકતાવાળી લાઈબ્રેરીઓમા અંગત રસ દાખવી પ્રજાજનોને દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે અને સાથોસાથ વગર આવડત કે લાયકાત વગર ઘૂસાડેલા સુનીલ દેત્રોજા જેવા લોકોની તાજેતરના ધારાધોરણો મુજબ ફરીથી પરીક્ષા લેવામાં આવે તો મનપાએ કરેલ અધધ લાઈબ્રેરીનો ખર્ચ યોગ્ય કહેવાય. જો આમાં જડમૂળથી ફેરફાર કરવામાં ન આવે તો લાઈબ્રેરીની વધુને વધુ અવદશા થવી નક્કી છે.
લાઈબ્રેરી માટે લાંબુ લચક અને બિનજરૂરી મેગેઝિન ખરીદવા માટે મનપામાં લિસ્ટ મોકલાય છે, મેગેઝિન ખરીદીનું લિસ્ટ ક્યા અનુભવી વ્યક્તિઓના અભિપ્રાયને આધીન તૈયાર કરવામાં આવે છે?



 
                                 
                              
        

 
         
        