સમિતિમાં 8 જગ્યા ખાલી છે, નવી ભરતી કરવાના બદલે અલગ-અલગ સ્કૂલનાં 15 શિક્ષકોને રોકી રખાયા
જે-તે સ્કૂલના શિક્ષકોને રોકી રખાતા વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય: શિક્ષણ સમિતિના એક હોદ્દેદારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પત્ર લખ્યો….
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવા સમિતિના હોદ્દેદારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 8 જગ્યા ખાલી છે. જેમાં બિન શૈક્ષણિક કર્મચારીની ભરતી કરવા રજૂઆત કરાઈ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વર્ષ 1-4-1966થી કાર્યરત છે, જેમાં આ કચેરીમાં હાલ બિનશૈક્ષણિક સ્ટાફ પ્રમાણમાં ખૂબ જ અપૂરતો હોવાનું જણાય છે. આ કચેરીના બિનશૈક્ષણિક કર્મચારીઓનું મહેકમ રાજકોટ મહાનગરપાલિકાની 100 ટકા ફાળાવાળી જગ્યા તા. 26-7-1991ની દરખાસ્ત અન્વયે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી, ગાંધીનગર દ્વારા મંજૂર કરવામાં આવેલી છે. જેમાં વધારો કરવો અત્યંત આવશ્યક જણાય છે. આ બાબતે ન.પ્ર.શિ.સ.ની ફાઈલ નં. 02/2021/2022થી કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા મારફત ભરતી કરવા અન્વયે શિક્ષણ સમિતિ, રાજકોટને તા. 28-5-2021થી મંજૂરી આપવામાં આવેલ છે. જેમાં શાસનાધિકારી મારફત ભરતી પ્રક્રિયા હજુ સુધી કરવામાં આવેલ નથી તેમજ આ બાબતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ લગત શાખા અધિકારીઓને બોલાવી તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી રૂબરૂ સૂચના આપવામાં આવી હતી.
આ બાબત અન્વયે વારંવાર તમામ સાંસદો, તમામ ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, સ્ટે. કમિટી ચેરમેન, ચેરમેન રાજકોટ શિક્ષણ સમિતિને રજૂઆત કરી છે. આ સમગ્ર બાબતમાં અંદાજિત 12 મહિનાથી પણ વધુ સમય પસાર થયેલ હોય આ અંગે કોઈપણ પ્રક્રિયા આજ સુધી કરવામાં આવેલી નથી. પ્રાથમિક શિક્ષકોની નિયમિત ભરી થાય છે તે મુજબ જ શિક્ષણ સમિતિના બિનશૈક્ષણિક કર્મચારીઓની મંજૂર થયેલી અને હાલમાં વયનિવૃત્તિથી ખાલી પડેલી જગ્યાઓની પણ નિયમિત ભરતી થવી જરૂરી છે.
- Advertisement -
શિક્ષણ સમિતિ, રાજકોટમાં અંદાજિત 1100થી વધુ શિક્ષકો અને 750 પેન્શનરોની વિશાળ વહિવટી કામગીરી સામે માત્ર 3 જ કાયમી કારકુનો કાર્યરત છે, જેથી અન્ય કામગીરી માટે પ્રાથમિક શાળાના 12થી 15 શિક્ષકો કચેરીમાં રોકી તેમની પાસેથી વહીવટી કામગીરી લેવામાં આવે છે. જેની શિક્ષણ ઉપર વિપરીત અસર પડે છે તેમજ એક શિક્ષકના પગારની સામે બે કારકુનને પગાર ચૂકવી શકાય તેમ હોય માટે ખાલી જગ્યાઓ ઉપર કારકુનોની ભરતી કરવામાં આવે તો તેનો નાણાંકીય ખર્ચ શિક્ષકોના પગારના પ્રમાણમાં ખૂબ જ ઓછો થાય અને લાંબા ગાળાનું સુવ્યવસ્થિત આયોજન પણ થઈ શકે.
PMOમાંથી CMને કર્મીઓની નિમણૂક કરવા સૂચના
આ પત્રની અસર એ થઈ કે, પીએમઓમાંથી ગુજરાતના સીએમને તાત્કાલિક અસરથી કર્મચારીઓની નિમણૂંક કરવા માટે સૂચના અપાઈ હતી અને ત્યાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમારને અપાઈ છે પરંતુ સૌથી વધુ ફરિયાદ હાલ કિરીટ પરમાર વિરૂદ્ધ છે.