‘કેરા’ નો અર્થ મલયાલમ ભાષામાં ‘નાળિયેર’ થાય. ‘આલમ’ એટલે ‘ભૂમિ’. ‘કેરાલમ’ એટલે ‘નાળિયેરની ભૂમિ’. આ ધરતી પર લીલાં-પીળાં બંને નારિયેળ જોવા-પીવા-ખાવા મળે. ભોજનમાં પણ નારિયેળનો ઉપયોગ સવિશેષ થાય. નાળિયેરનો અહીંના અર્થતંત્ર પર અને સમાજ જીવન પર ઘેરો પ્રભાવ, જાહેર આરોગ્ય પર પણ એટલી જ ઊંડી અસર. રસોડામાં રસોઈ માટે આજે પણ કેરળના લોકોની પ્રથમ પસંદ કોપરેલ જ છે. કદાચ આ ફૂડ હેબિટને લીધે જ કેરળમાં લોકોનું સરેરાશ આયુષ્ય ભારતના લોકોની સરેરાશ આયુષ્ય કરતાં નવ-દસ વર્ષ વધુ છે. હવે અહીં નારિયેળનું ચલણ વધુ છે એટલે તે સસ્તા મળતા હશે એવું ન સમજવું અને આવું જ કંઈક આપણી આંગળીઓ જેટલા નાના કદના કેળાનું છે. આપણે જેને એલચી કેળા કહીએ છે એ કેળા અહીં કિલોના ભાવે મળે. એક નારિયેળ સો રૂપિયા આસપાસ તો એલચી કેળા સો રૂપિયાના ત્રણ કિલો આસપાસ વેંચાતા હોય છે.
કેરળમાં નારિયેળ, ચા, કોફી, કોકો, મસાલા સિવાય રબરનાં વૃક્ષોની ચિક્કાર ખેતી થાય છે. વિશ્ર્વના પાંચ સૌથી મોટા રબર ઉત્પાદક દેશોમાં ભારતનો સમાવેશ થાય છે અને ભારતના કુલ રબર ઉત્પાદનમાં કેરળનો હિસ્સો નેવું ટકા જેટલો છે. મુન્નારથી થેક્કડી અને થેક્કડીથી અન્ય કોઈ સ્થળે જતા આ રબરના વૃક્ષોની ખેતી નજરે પડે. થેક્કડીના રસ્તાઓ પર વોટર ફોલ અને નાનામોટા મંદિર સાથે ચર્ચ પણ ઘણા આવેલા છે. કેરળમાં તો જ્યાં જૂઓ ત્યાં જેમ કેળ અને લીલોતરી જોવા મળે તેમ દરેક મુખ્ય માર્ગો પર અને શેરી-ગલીમાં ‘ઈસુના ઓટલા’ જોવા મળે જ. સાવ ટચૂકડાં ગામડાંમાં પણ અતિશય ભવ્ય કહેવાય તેવા બે-ચાર ચર્ચ તો હોય જ.
કેરળના પ્રમુખ પર્યટન સ્થળ થેક્કડીમાં છે પ્રકૃતિ, પશુપક્ષીઓ અને શાંતિનો અનોખો સંગમ
- Advertisement -
પેરિયાર નેશનલ પાર્ક અને એલિફન્ટ જંક્શન થેક્કડીના અચૂક ફરવાલાયક સ્થળ
હા, કેરળના રસ્તાઓ પરથી નારિયેળ તેલમાં તળેલી કેળાની પીળી વેફર્સ ન ખરીદવી કેમ કે તે સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી તેવું ત્યાંના જ સ્થાનિકો કહેતા હોય છે. તો પછી થેક્કડીમાં શું ખરીદવું અને ફરવું એ જોઈએ તો..
થેક્કડી જનારાઓ સૌથી પહેલા એલિફન્ટ જંક્શન નામની જગ્યાએ જતા હોય છે. એલિફન્ટ જંક્શનમાં મહાકાય હાથી પર બેસી સવારી કરી શકાય છે. હાથીને નવડાવી શકાય છે. હાથીને ખવડાવી શકાય છે. હાથી જોડે મનચાહા ફોટો ક્લિક કરી શકાય છે. હાથી પણ તેની સૂંઢમાં પાણી ભરી આપણને નવડાવે! હાથીને નજીકથી જોવા જાણવા સમજવા આ જગ્યા જબરદસ્ત છે. એલિફન્ટ જંક્શનમાં હાથી જોડે એન્જોય કરવાના પર પર્સન અલગઅલગ છસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધીના પેકેજ હોય છે. એલિફન્ટ જંક્શન બાદ થેક્કડીનું મુખ્ય આકર્ષણ પેરિયાર જીલ – પેરિયાર નેશનલ પાર્ક છે.
પેરિયાર નદી કેરળની સૌથી મોટી નદી છે, તેની લંબાઈ 244 કિલોમીટર છે. આ પેરિયાર નદીમાં જ આવેલું છે પેરિયાર નેશનલ પાર્ક. 1950માં પેરિયાર નેશનલ પાર્કની સ્થાપના થઈ હતી. બે દાયકા પછી ભારતમાં ટાઇગર રિઝર્વનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. તેના અંતર્ગત 1978માં પેરિયાર નેશનલ પાર્કના એક ભાગને ટાઇગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યો. ટાઇગર રિઝર્વ બાદ 1992માં આ નેશનલ પાર્કને પ્રોજેક્ટ એલિફન્ટ અંતર્ગત પણ લાવવામાં આવ્યો. 777 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ નેશનલ પાર્કમાં પક્ષીઓની 250, સરિસૃપની 45, માછલીઓની 40, પતંગિયાઓની 160 અને વનસ્પતિઓની આશરે 1900 કરતાં પણ વધારે પ્રજાતિઓ છે. અહીં બસ અને બોટની સવારી કરતા કરતા જંગલી પ્રાણીઓ અને પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ જોઈ શકાય છે. હાથીના ઝૂંડ, હરણ-સાંભરના ટોળા તો ઠેકઠેકાણે જોવા મળે સાથે સિંહ જેવી પૂંછડીવાળા વાંદરાઓ પણ. ખાસ તો આ નેશનલ પાર્ક વાઘ અને હાથી માટે પ્રખ્યાત છે પરંતુ નસીબ હોય તો જ તે જોવા મળે બાકી તો અન્ય પશુપ્રાણી અને પ્રકૃતિને માણવાના. હા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, અહીં આવતા પહેલા જ પેરિયાર નેશનલ પાર્ક ઘૂમવા બોટિંગ માટેની ઓનલાઈન ટિકિટ બુક કરાવી લેવી અને સમયસર પહોંચી જવું, અન્યથા પેરિયાર નેશનલ પાર્કમાં પગ મૂક્યા પછી પણ ધરમનો ધક્કો નક્કી છે.
જો મુન્નારમાંથી મસાલાની ખરીદી બાકી રહી ગઈ હોય તો થેક્કડીમાં એલચી, લવિંગ, તજ, મરી, વેનીલા અને સોપારી સહિત અદભુત મસાલાના બગીચાઓ છે, જ્યાં તમે મસાલા વિશે બધું જ જાણી ખરીદી કરી શકો છો. થેક્કડીથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલા પહાડી શહેર કુમલી જથ્થાબંધ મસાલા વેપારનું કેન્દ્ર છે, જ્યાંથી તમે વાજબી ભાવે જાતભાતના મસાલા, ઓસડિયાથી લઈ આયુર્વેદિક દવાઓ, ચા, કોફી, મધ, તેલ વગેરે ખરીદી શકો છો. આ સિવાય થેક્કડીમાં આર્યુવેદિક મસાજ થેરાપી અંતર્ગત શરીરની ગંદકીને ગાયબ કરી શકાય છે. થેક્કડીમાં ઘણા સારા આયુર્વેદિક સ્પા અને વેલનેસ સેન્ટર આવેલા છે જ્યાં વિવિધ ચિકિત્સા પદ્ધતિ દ્વારા તનની શુદ્ધિ કરવામાં આવે છે. મુન્નાર-થેક્કડી વિસ્તારમાં સિલ્કમાંથી બનેલા વસ્ત્રો, કાંજીવરમ સાડી (એક ખાસ પ્રકારના રેશમના દોરાથી વણાયેલી સાડી), સુતરાઉ અને કોટનના ધોતી-કુર્તાના અનેક શોરૂમ આવેલા છે. અહીં પંદરસોથી લઈ દોઢેક લાખ સુધીની રેન્જમાં કાંજીવરમ સાડી મળે. કેરળ યાત્રામાં ત્યાંની ખાસ વસ્તુઓની ખરીદી માટે મુન્નાર-થેક્કડી બેસ્ટ પ્લેસ છે.
ખળખળ વહેતી નદીઓ, ઉંચાઉંચા ઝરણાંઓ, આકાશ સાથે વાતો કરતા વૃક્ષોથી છવાયેલા જંગલો અને સુગંધિત બગીચાઓ.. ટ્રાવેલર્સ ડ્રીમ ડેસ્ટિનેશન તરીકે ઓળખાતા થેક્કડી ઘુમવા માટે એક દિવસ કાફી છે. જો મુન્નાર-થેક્કડી ફરી લીધું હોય તો ત્યારબાદ અહીંથી એલ્લેપ્પી પણ જઈ શકાય છે અને સીધા જ તિરુવનંતપુરમ પણ જઈ શકો છો. તિરુવનંતપુરમ ફર્યા બાદ કોચીન પાછા ફરતા સમયે એલ્લેપ્પીને એક્સપ્લોર કરી શકો છો. જો રિટર્ન ટ્રેન-ફ્લાઈટ તિરુવનંતપુરમથી હોય તો એલ્લેપ્પી અને જટાયુ અર્થ સેન્ટર જેવા સ્થળોની મુલાકાત લઈ પહોંચી જવું સીધું તિરુવનંતપુરમ.. આપણે હવે કેરળ યાત્રાના અંતિમ તબક્કામાં તિરુવનંતપુરમની લટાર મારીશું..



