CCTVથી સજ્જ યાર્ડમાંથી જીરૂં પગ કરી ગયું !
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં પોલીસની ઢીલી નીતિ અને ઓસરતી ધાકનાં પગલે ચોરી અને લૂંટની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રોકડ અને દાગીનાની ચોરી કરતા તસ્કરો મોરબીના માર્કેટિંગ યાર્ડમાંથી 117 મણ જીરુંની ચોરી કરી ગયા હતાં.
જીરું ચોરીના આ બનાવ અંગે મળતી માહીતી મુજબ મોરબીનાં શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા અને નીચી માંડલ ગામે રહેતા રમેશભાઇ ચુનિલાલ દેત્રોજાએ મોરબી માર્કેટયાર્ડમાં રૂ. 4 લાખની કિંમતનું 117 મણ જીરું 39 જેટલા કોથળામાં ભરીને રાખ્યુ હતું જે જીરું ગત તા. 30 નાં રોજ તેમની જાણ બહાર તસ્કરો ઉસેડીને ફરાર થઇ ગયા હતાં જોકે માલિકને જીરૂની ચોરીના બનાવની જાણ થતાં જ તેમણે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
- Advertisement -
જો કે આ બનાવમાં સવાલ એ થાય છે કે સીસીટીવી કેમરાથી સજ્જ મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી તસ્કરો રૂ. 4 લાખના જીરુની ચોરી કરી ફરાર થઈ ગયા અને યાર્ડના સિક્યુરીટી ગાર્ડ કે અન્ય લોકોને જાણ પણ ન થઈ, એ વાત જલદી ગળે ઉતરે તેવી નથી તેમ છતાં પણ જીરૂ પગ કરી ગયું કે શું તે તો પોલીસ તપાસ દરમિયાન જ બહાર આવશે.