આવેદનપત્ર આપીને કોંગી આગેવાનો પોચા પગે પરત ફર્યા
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ કરવા પહોંચેલી કોંગ્રેસે અટકાયતની બીકે કાર્યક્રમ અધૂરો મુક્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નગરપાલિકા પ્રમુખના પતિ તેમજ મહિલા કાઉન્સીલરના પતિનો 6 ટકા કમીશન અંગેનો વિડીયો વાયરલ થયા બાદ મોરબીનું રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે જેમાં છેલ્લા કેટલાય સમયથી શાંત બેઠેલી કોંગ્રેસને જાણે સંજીવની મળી હોય તેમ પાલિકામાં ભ્રષ્ટાચાર થતા હોવાના મસમોટા આક્ષેપ કરી ઉગ્ર વિરોધ કરવાની તેમજ પાલિકા પ્રમુખ રાજીનામું ન આપે તો પાલિકાને તાળા મારવાની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
આ જાહેરાત મુજબ આજે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરોએ રીતસર હલ્લાબોલ કરી ભ્રષ્ટાચાર બંધ કરોના વિશાળ કદના બેનર સાથે આ કમિશન કાંડની તપાસ કરાવવા માંગ કરી શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખને નૈતિકતાના ધોરણે ભ્રષ્ટાચારીઓને પદભ્રષ્ટ કરવા માંગ કરી હતી.
મહત્વનું છે કે, આ જાહેરાતને પગલે મોરબી જીલ્લા પોલીસનો કાફલો અગાઉથી પાલિકા કચેરીએ આવી પહોંચ્યો હતો તો બીજી તરફ કોંગ્રેસી આગેવાનો સહીતના મોટી સંખ્યામાં કાર્યકરો પાલિકાએ આવી પહોંચ્યા હતા જોકે પોલીસને જોઈ જાણે કોંગ્રેસનો જોશ અચાનક શાંત થઈ ગયો હોય તેમ પાલિકા કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ મોકૂફ કરી દીધો હતો અને માત્ર પાલિકા કચેરી બહાર સુત્રોચ્ચાર કરીને હેડકલાર્કને આવેદનપત્ર આપી સંતોષ માની લીધો હતો.
કોંગ્રેસના આવેદન બાદ ભાજપના ચૂંટાયેલા સભ્યો અને હોદેદારો દ્વારા પાલિકા કચેરીમાં જયશ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા.