રાજકોટમાં આજી નદીના કાંઠે 400 વર્ષ જૂનું સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે
200 વર્ષ પહેલા 250 કાચબા હતા હાલ 25થી વધુ કાચબા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે, ભક્તો પણ ભોળાનાથને પૂજા-અર્ચના થકી ભોળાનાથને રિઝવવા માટે શિવ મંદિરે જતા હોય છે. દરેક શિવમંદિરની સામે તમને એક કાચબો જોવા મળે છે. પરંતુ, રાજકોટમાં એક અનોખુ શિવ મંદિર આવેલું છે. જ્યાં કાચબો પ્રતિમા સ્વરુપે નથી પરંતુ જીવતા કાચબા હાજર છે. આ મંદિરમાં 200 વર્ષ પહેલા એક સાથે 250થી પણ વધારે જીવતા કાચબા હતા અત્યારે 25 કાચબા છે. આ મંદિર આશરે 400 વર્ષ જૂનું છે. જે રાજકોટનું સૌથી પ્રાચીન મંદિર હોવાનું પણ માનવામાં આવે છે. આ મંદિરમાં જે શિવલિંગ છે તે ઉજ્જૈનથી લાવવામાં આવ્યું હોવાની માન્યતા છે. આ ઉપરાંત આજથી 400 વર્ષ પહેલાં જૂના રાજકોટમાં મંદિર હતું નહિ માટે આ મંદિરની સ્થાપના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. કોઈપણ શિવજીના મંદિરમાં જતાની સાથે સૌ પ્રથમ નંદી અને ત્યારબાદ કાચબા ના દર્શન થતા હોય છે. કોઠીયો એ શિવજીનું વાહન માનવામાં આવે છે જ્યારે કાચબો એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શંકરે પોઠિયા (નંદી)ની જેમ કાચબાને પણ મંદિરમાં સ્થાન આપેલું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, કાચબો એ જ્ઞાનનું પ્રતીક છે. જેમ કાચબો પોતાના પગ અને મોઢું સંકોચી લે છે તેમ માણસોએ મહાદેવના દર્શન કરતા પહેલા સારા ખરાબ વિચારો પડતા મૂકીને તમામ ઇન્દ્રિયો સંકોચી લઇ સંયમ જાળવવો જોઇએ. એટલે કે કાચબાના દર્શન પછી તેની પાસેથી જ્ઞાન અને સંયમની શિક્ષા લઇ પછી જ લોકો મહાદેવના દર્શન કરી શકશે તેવું વરદાન ભગવાન શંકરે કાચબાને આપ્યું હતું એટલે જ મહાદેવના તમામ મંદિરમાં કાચબાનું પ્રતીક જોવા મળે છે. જ્યારે રાજકોટના એક અનોખા મંદિરમાં કાચબાના પ્રતીક નહી પણ જીવતા કાચબાના દર્શન કરી શકાય છે. ત્યારે રાજકોટમાં આવેલા આ મંદિરમાં જીવતા કાચબા એ આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે.ભક્તો અહીં મહાદેવના દર્શન કરવા તો આવે જ છે. આ સાથે જ અહીં લોકો જીવંત કાચબાના પણ દર્શન કરે છે. અહીં અનેક જીવંત કાચબાના કારણે આ મંદિરને કાચબા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દ્રશ્ય ફક્ત રાજકોટની આજી નદીના કાંઠે આવેલા બેડીનાકા પાસે ખડપીઠ રોડ પર આવેલા સોમનાથ મહાદેવના મંદિરમાં જ જોવા મળે છે. કહેવામાં આવે છે કે, જ્યારથી આ મંદિર બન્યુ છે ત્યારથી જ અહીં કાચબાઓ રહે છે. શરુઆતમાં અહીં કોઈક કાચબાની એક જોડી મુકી ગયુ હતું. તેમાંથી કાચબાની સંખ્યા વધતી ગઈ. કાચબાને મહાદેવનું પ્રતિક માનવામાં આવે છે. તેથી, આ તમામ કાચબાને આ મંદિરમાં સંરક્ષણ આપવામાં આવે છે. કાચબાની વધતી જતી સંખ્યાને કારણે બાદમાં આ મંદિર કાચબા મંદિર તરીકે ઓળખાવા લાગ્યુ હતું.
અમે સાત પેઢીથી અહીં મહાદેવની સેવા પૂજા કરીએ છીએ : મહંત કમલેશગીરી
દેવગીરીબાપુ કચ્છના વતની હતા અને તેઓ વિચરણ કરતા કરતા રાજકોટ આવ્યા અને અહીં જ રોકાઈ ગયા હતા. અને તેની સમાધિ પણ મંદિરમાં આવેલી છે. તેઓએ અહીં જીવતી સમાધિ લીધી હતી અને સમાધિમાં 7 દિવસ જીવતા હતાં. બાદમાં તેમના ચેલા દ્વારા આ મંદિરનું સંચાલન સંભાળવામાં આવ્યુ અને વર્ષો બાદ અમારા વંશ પરંપરા મુજબ હાલ અમે 7 પેઢીથી અહીં મહાદેવની પૂજા-અર્ચના કરીએ છીએ. વર્ષો પહેલાં 250 કાચબા એક રુમમાં હતાં. હજી પણ અહીં મોટી સંખ્યામાં કાચબાઓ છે. આ મંદિરનું નામ સોમનાથ મંદિર રાખવામાં આવ્યુ હતું. પરંતુ, સમય જતાં તે કાચબા મંદિર તરીકે ઓળખાવા લાગ્યું. તેમ મંદિરના પુજારી કમલેશભાઈ જણાવ્યુ હતું.
આજી નદીનું પાણી નહીં ઉતરતા લોકોએ પ્રાર્થના કરતાં પાણી તરત જ ઓસરી ગયા
આ મંદિરની દીવાલમાંથી એક તકતી નીકળી હતી. જે આજે પણ મંદિરના પરિસરમાં સચવાયેલી છે. જેમાં લખાણ સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. એક વાર રાજકોટમાં નદીનું પાણી ઉતરતું નહોતું. બાદમાં દાદાને પ્રાર્થના કરતાં પાણી તરત ઓસરી ગયું. જ્યારે રાજકોટમાં કફયૂ લાદવામાં આવ્યો હતો ત્યારે અહીં એકવાર કાચબો બહાર નીકળ્યો હતો. તેને ગોળી મારવામાં આવી હતી. આમ છતાં તેને કોઈ ઈજા નહોતી થઈ. આજથી વર્ષો પહેલાં કોઇ કાચબો મૂકી ગયા હતા.જેને આશરો અપાયો હતો. ત્યારબાદ જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ લોકો કાચબા મૂકતા જાય છે. લોકો પૂજા કરવા માટે કાચબા લઇ પણ જાય છે.
- Advertisement -