એક મહિનામાં ડિઝાઈન ફાઇનલ થાય તેવી પ્રબળ શક્યતા, નવા વર્ષથી કામગીરી વધુ ઝડપી બનવાની આશા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લો બન્યાને 8 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં આરોગ્ય સુવિધાની બાબતમાં તાલુકા કક્ષાની સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાથી મોરબીવાસીઓએ મેડીકલ કોલેજ શરૂ કરવાની માંગણી કરી હતી. આ માંગણી સરકારે મંજુર કરી છે અને નવી મેડીકલ કોલેજ માટે શનાળા ગામની જમીન ફાળવવામાં આવી હતી જો કે નવાં બિલ્ડિંગમાં વધુ સમય લાગે તેમ હોવાથી હાલમાં જૂની જિલ્લા પંચાયતમાં ગિબ્સન મિડલ સ્કૂલમાં મેડિકલ કોલેજ શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજ માટે હાલના તબક્કે 450 બેડની અદ્યતન સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માટે ડિઝાઈન પ્લાન મંજૂરી અર્થે મોકલી દેવાયો છે જે સંભવત: આગામી 20 કે 25 દિવસમાં એપ્રુવ થયા બાદ ફૂલ ફલેજમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલનું કામ શરૂ થઈ જશે. આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ પ્રોજેક્ટ અંતર્ગત વિશાળ 30 એકર જગ્યામાં મેડિકલ કોલેજ કેમ્પસ, 450 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ઉપરાંત મેડિકલ કોલેજના ડીન માટે બંગલો, યુજી અને પીજી સ્ટુડન્ટ માટે હોસ્ટેલ, ક્લાસ-1, ક્લાસ-2 અને ક્લાસ-3 અધિકારીઓ માટે આવાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે જો કે આ સ્વપ્ન જ્યારે સાકાર થાય ત્યારે પરંતુ હવે તંત્ર પણ મેડિકલ કોલેજનું કામ ઝડપી બને તે માટે પ્રયત્નશીલ બન્યું છે અને કામ ગતિમાં આવે તે માટે ખાનગી એજન્સીને કામ સોંપી દેવાયું છે અને આગામી સમયમાં તે કામ વધુ ઝડપી બનશે તેવી આશા અને સંભાવના સેવાઈ રહી છે.
મેડિકલ કોલેજની કામગીરી ફરી તેજ, ખાનગી એજન્સીને 499 કરોડમાં કામ સોંપાયું
