સૌરાષ્ટ્ર-કચ્છની પ્રસૂતાઓ અને નવજાત બાળ દર્દીઓને એક છત્ર નીચે મળશે અત્યાધુનિક સારવાર
700 બેડ, 8 ઓપરેશન થિયેટરની અત્યાધુનિક હોસ્પિટલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
બાળકના જન્મ સાથેના પ્રથમ રુદન અને માતાના સ્નેહાળ સ્પર્શના મિલનનો સાક્ષી બનતો રાજકોટ સિવિલ હોસ્પિટલનો ગાયનેક વિભાગ ટૂંક સમયમાં જુના ઝનાના હોસ્પિટલ કેમ્પસ ખાતેના નવનિર્મિત બિલ્ડિંગમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની પ્રસૂતાઓ અને નજાવત બાળકોને એક છત્ર નીચે સંપૂર્ણ સારવાર સાથેના ‘’મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ” વિંગની કામગીરી પૂર્ણતાને આરે છે.
સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતાની વિભાવનાને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સંનિષ્ઠ પ્રયાસોથી રાજકોટમાં કોર્પોરેટ સ્ટાઈલમાં ગ્રાઉન્ડ પ્લસ 11 માળની ગુજરાતની સૌથી ઊંચી એમ.સી.એચ. હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ પામશે.
સૌરાષ્ટ્ર કચ્છના મેટર્નલ અને બાળ દર્દીઓ માટે હોસ્પિટલમાં 500 બેડ ઉપરાંત વધારાના 200 બેડની સુવિધા સાથે કુલ 700 બેડની સુવિધા, સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક, ટ્રાઈએઝ, થ્રી લેયર એન.આઈ.સી.યુ., ડી.ઈ.આઈ.સી., એન.આર.સી. પ્લે ગ્રાઉન્ડ સહિતની સુવિધા પણ આ કેમ્પસમાં ઉપલબ્ધ કરાવાઈ છે.
- Advertisement -
પીડિયાટ્રિક વિભાગ
નવજાત શિશુ અને માતાની સારવાર માટે એક જ જગ્યાએ અલાયદો વોર્ડ, બાળકો માટે વેન્ટિલેટર સાથે 25 બેડનું આઈ.સી.યુ., મોટી ઉંમરના બાળકો માટે 44 બેડનું હાઈ ડીપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રાફી મશીન સુવિધાઓ, ઉપરાંત પીડિયાટ્રિક ન્યુરો સર્જીકલ અને સર્જીકલ વિભાગ, બાળકો રમત રમી શકે તે માટે પ્લે એરિયા, તેમજ એન.આઈ.સી.યુ. ટ્રેનિંગ માટે 100 બેઠકનું ટ્રેનિંગ સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે.
ગાયનેક વિભાગ
સૌરાષ્ટ્ર -કચ્છના દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા સાથે ઉત્તમ સારવાર મળી રહે તે માટે 370 બેડ સાથેનો ગાયનેક વિભાગ ડીઝાઇન કરાયો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર દર્દીનું રજીસ્ટ્રેશન, વેઇટિંગ કમ નોલેજ શેરિંગ, પ્રસુતિ અને સ્ત્રી રોગ ઇમર્જન્સી સારવાર અર્થે 6 બેડનો ટ્રાએજ એરિયા, મમતા ક્લિનિક ઉપરાંત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા એક જ ફ્લોર પર ઉભી કરવામાં આવી છે.