ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા, તા.12
સાવરકુંડલા શહેરમાં રેલવે સ્ટેશન પાસે બનતાં ફૂટ ઓવર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લગભગ એકાદ માસમાં આ કામ પૂર્ણ થવાની ધારણા સેવાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી આ ફૂટ ઓવર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તોતિંગ સ્ટ્રક્ચરલ માળખાને વેલ્ડિંગ બોલ્ડિંગ અને મોલ્ડિંગ કરવાનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. આ ફુટ ઓવર બ્રિજ બનતા સાવરકુંડલા શહેરના ખાદી કાર્યાલય, શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, માર્કેટ યાર્ડમાં તેમજ આ વિસ્તારમાં વસતાં અનેક રહીશોને વિના વિધ્ને કોઈ અવરોધ વગર રેલવેની સામે પાર પહોંચી શકાશે. આ બ્રિજ પર દિવ્યાંગો તેમજ વરિષ્ઠ નાગરિકો માટે કોઈ સુવિધા હશે કે કેમ? એવું પણ લોકો માહેમાહે પૂછતાં જોવા મળે છે. આશા રાખીએ કે વહેલી તકે આ ફૂટ ઓવર બ્રિજ બને તો રેલ્વે ટ્રેકને ઓળંગવાની ઝંઝટમાંથી મુક્તિ મળે તેવી લોકો આશા રાખી રહ્યા છે. હજુ ચારેક દિવસ પહેલાંનો એક કિસ્સો જણાવતાં સાવરકુંડલા માનવમંદિરના પૂ ભક્તિરામબાપુએ જણાવ્યું હતું કે પોતે ખુદ માનવમંદિરની એક મનોરોગી બહેનને સારવાર અર્થે અહીની શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે લઇ જતાં હતાં વચ્ચે ફાટક બંધ હોવાથી મુશ્કેલી અનુભવી હતી. દર્દીને ઈમરજન્સી સારવાર માટે આવા બંધ ફાટક પણ ઘણી વખત દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જો કમસે કમ ફૂટ ઓવર બ્રિજ બનેલ હોય તો સ્ટ્રેચર પર પણ ગંભીર દર્દથી પીડાતા દર્દીઓને સામે પાર હોસ્પિટલમાં લઈ જઈ શકાય.. આમ ફૂટ બ્રીજ આવા દર્દીઓ માટે જીવનરક્ષકની ભૂમિકા પણ ભજવી શકે છે. વળી સાવરકુંડલા રેલવે સ્ટેશન પાસેથી અનેક ગુડઝ ટ્રેન અને પેસેન્જર ટ્રેન પણ પસાર થતી હોય લોકોને એક વિસ્તારમાંથી સામેના વિસ્તારમાં વિના અવરોધે આવવા જવા માટે પણ ફૂટ બ્રીજ ખૂબ જરૂરી છે.
સાવરકુંડલા શહેરમાં રેલવે સ્ટેશન પાસે બનતાં ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલું
