રાજકોટના કાલાવડ રોડ પર રૂ. 3.50 લાખના ખર્ચે બનેલા હોકર્સ ઝોનમાં હવે 8 લાખનો વધુ ખર્ચ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકામાં અધુરા કામ કરી ઝડપી લોકાર્પણ કરવાના અનેક પ્રોજેકટો સામે આવી ચુક્યા છે. રાજકોટનાં કાલાવડ રોડ પરનાં મહિલા હોકર્સ ઝોનમાં પણ આવું જ બન્યું હતું. ગત જાન્યુઆરીમાં માત્ર ચાર દિવાલ અને 18 થડા બનાવીને આ હોકર્સ ઝોન ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે ત્યાં શેડ અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નહોતી. જેને લઈ હોકર્સ ઝોન છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હતો. હવે મનપા દ્વારા રૂ. 3.57 લાખના ખર્ચે બનેલા આ હોકર્સ ઝોનમાં રૂ. 8 લાખનાં ખર્ચે શેડ અને શૌચાલય બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ ગત જાન્યુઆરી માસમાં હોકર્સ ઝોન શરૂ કરીને તેને ક્રાફ્ટ બજારના નામે શરૂ કરાયો હતો. સ્વસહાયના ગ્રુપો ચલાવતી મહિલાઓએ થડા માટે નોંધણી કરાવી હતી. આ હાટ તા.6જાન્યુઆરીમાં ક્રાફટ બજાર ભરીને ચાલુ કરી દેવામાં આવી હતી. પણ અહીં સુવિધાઓ ન હોવાથી મહિલા સદસ્યો નારાજ થયા હતા. વધારાની સુવિધાઓ આપવા માટે માગણી કરવામાં આવી હતી. આ હોકર્સ ઝોન માત્ર ચાર દિવાલ અને થડાબનાવીને સુપ્રત કરી દેવાતા તાળા મારવાની સ્થિતિ ઉભી થઈ હતી. ગત તા. 6થી 8 જાન્યુઆરી દરમિયાન ક્રાફટ બજાર ભરાયેલું જેમાં 28 મહિલા જૂથોએ ભાગ લીધો હતો. આ મહિલાઓનો રૂ. 26 લાખનો માલ પણ વેચાયો હતો. અને મહિલાઓને કમાણી પણ થઈ હતી. તહેવારોમાં ક્રાફટ બજારમાં ભીડ પણ થતી હોય છે. પ્રદર્શન કમ સેલ યોજીને મહિલાઓ સ્વસહાય જૂથો કમાણી થાય તેવા પ્રયાસો થાય છે. ગ્રામ હાટની જેમ શહેરની મહિલાઓ પણ સ્વરોજગારી મેળવી શકે તે માટે આ ક્રાફટ બજાર શરૂ કરવામા આવ્યું હતું. જોકે સુવિધાનાં અભાવે અહીં મહિલાઓએ બેસવાનું બંધ કરી દીધું હતું.
રાજકોટ મનપાનાં આસિસ્ટન્ટ કમિશ્નર કાથરોટિયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મહિલાઓ માટેનું પ્રથમ હોકર્સ ઝોન બનાવવામાં આવ્યું હતું. જેમાં થડાની ફાળવણી એકાદ વર્ષ પહેલાં ડ્રો કરી કરવામાં આવી હતી. પરંતુ ત્યાં શેડ અને શૌચાલય કરવા મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. જેને કારણે ત્યાં મહિલાઓ બેસતી નહોતી. હાલમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પૂર્ણ થયા બાદ ફરીથી હોકર્સ ઝોનમાં મહિલાઓ વેપાર-ધંધા કરી શકશે.
- Advertisement -
મહિનાઓ સુધી હોકર્સ ઝોન બંધ રહેવા અંગે તેમણે જણાવ્યું હતું કે, આ હોકર્સ ઝોનમાં કુલ 18 જેટલા થડા ઉપર મહિલાઓ જુદી-જુદી વસ્તુઓનું વેચાણ કરતી હતી. બાદમાં મહિલાઓ દ્વારા શેડ અને શૌચાલયની માંગ સાથે કામ બંધ કરવામાં આવ્યું હતું. જેને લઈને નિયમ મુજબ આ માટેની ટેન્ડર પ્રક્રિયા કરીને કામગીરી શરૂ કરવામાં સમય લાગ્યો હોવાથી ત્યાં સુધી હોકર્સ ઝોન બંધ રહ્યો હતો. હવે કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી અંદાજે એકાદ-બે મહિનામાં શેડ- શૌચાલયનું કામ પૂર્ણ થતાં હોકર્સ ઝોન ફરી ધમધમતો થશે. મનપાનાં હોકર્સ ઝોનનો હવાલો સંભાળતા અધિકારી કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે, અગાઉ રૂપિયા 3.57 લાખનાં ખર્ચે હોકર્સ ઝોન શરૂ કરવામાં આવ્યું હતું. હવે ત્યાં શેડ ઉભો કરવા અને શૌચાલય બનાવવા માટે હાલ મહિલા હોકર્સ ઝોન બંધ કર્યો છે. અહીં મહિલાઓ દ્વારા છાયડા માટે માગણી કરવામાં આવી હતી. જેને કારણે હવે રૂ. 8 લાખથી વધુના ખર્ચે શેડ અને શૌચાલય પણ બનાવવામાં આવી રહ્યા છે. આ રીનોવેશન નહીં પરંતુ લોખંડનું નવું કામ હોવાથી અગાઉ કરતા વધુ ખર્ચ થઈ રહ્યો હોવાનો બચાવ તેમણે કર્યો હતો.



