ઈજિપ્તથી આવેલી હિજાબધારી મહિલાએ હોબાળો મચાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે ગુરુગ્રામમાં હિજાબ અને બુરખો પહેરેલી એક મહિલાએ ટેક્સી-ડ્રાઈવરને છરી મારી દીધી. દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં હુમલો કરનારી મહિલા વિદેશી છે અને તે ઈજિપ્તની રહેવાસી હોવાનું કહેવાય છે. મહિલાએ જ્યારે તેને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ પર પણ હુમલો કર્યો અને મહિલા પોલીસકર્મીને નાકમાં મુક્કો માર્યો હતો. ગુરુગ્રામના રાજીવ ચોકમાં મંગળવારે હિજાબ-બુરખો પહેરેલી એક મહિલાએ અચાનક ટેક્સી-ડ્રાઈવર પર છરી વડે હુમલો કર્યો. મહિલા હાથમાં છરી લઈને રસ્તા પર ઉભી હતી. જાહેરમાં મહિલાના હાથમાં છરી જોઈને ત્યાં હાજર લોકોની ભીડ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત ટેક્સી ડ્રાઈવર રઘુરાજે જણાવ્યું કે તે દિલ્હી આનંદ વિહાર સુધી સવારી છોડવા જાય છે.
આજે પણ તેની ટેક્સીમાં એક સવારી બેસેલી હતી. આ દરમિયાન આરોપી મહિલા તેની ટેક્સી પાસે પહોંચી હતી. રઘુરાજે ટેક્સીને સવારી સમજીને રોકી દીધી. રઘુરાજ કંઈ સમજે તે પહેલા મહિલાએ છરી કાઢીને તેની કમરમાં ઘા ઝીંકી દીધો હતો. મહિલાએ છરી મારતાની સાથે જ તે દોડવા લાગી હતી. દરમિયાન રઘુરાજ તેની પાછળ ગયો અને પછી તેને પકડવાનો પ્રયાસ કર્યો. દરમિયાન સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મહિલા ભીડ વચ્ચે ઝપાઝપી કરતી રહી. માહિતી બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.