હલકી ગુણવત્તાના પાણીનો બેરોકટોક વેપલો
પાણીથી થતી કાળી કમાણી પર અંકુશ જરૂરી: પાણી વેપારીઓ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજકાલ ઉનાળા સિવાયની દરેક ઋતુમાં મિનરલ વોટરના જગની માંગ વધી છે. હવે ઘર કે કામના સ્થળ ઓફિસ, કારખાના કે અન્ય જગ્યાઓએ પાણીના કેરબા મંગાવવામા આવે છે. પીવાના પાણી માટેની પહેલી પસંદ છકડામાં આવીને દરવાજા સુધી આપી જતા મિનરલ વોટર જગ બની ગયા છે. આ પ્લાસ્ટિકના કેરબાઓમાં આખો દિવસ પાણી ઠંડુ રહે છે એટલે લોકો શુભ-અશુભ પ્રસંગો સિવાય કાયમી પાણીના કેરબા મંગાવવા લાગ્યા છે. આખો દિવસ ઠંડુ રહેતું આ પાણી રાજકોટમાં 20 લિટરનો એક જગ રૂ.20થી 30 રૂ.ના ભાવે સપ્લાય કરવામાં આવે છે. જોકે વાસ્તવમાં આ પાણી મફતમાં મળે તો પીવું ન જોઈએ. ચોંકાવનારી બાબત એ છે કે આજે શહેરમાં શેરીગલીએ મિનરલ વોટરના હાટડાઓ ધમધમવા લાગ્યા છે. 20-30 રૂપિયામાં મિનરલ વોટરનો 20 લિટરનો ઠંડો કેરબો ક્યાં ભરાય છે, તેમાં આઇએસઆઇ માર્કો છે કે નહીં તે અંગે કોઇ પૂછતું પણ નથી.
શહેરમાં 70% વેપારીઓ આઇએસઆઇ માર્કા વગર આ પાણી લોકોને પીવડાવે છે. આજે જ્યાં જૂઓ ત્યાં જોવા મળતા આ 20 લીટરની પાણીની બોટલમાં પાણી ઠંડુ રાખવા લિક્વિડ નાઇટ્રોજનનું માત્ર એક ટીપું નાખવામાં આવે છે જે પેટ, ચામડી અને જઠર સહિતના ગંભીર રોગો નોતરે છે. એક એ સમય હતો જ્યારે વેપારી વર્ગ પાણીના પરબ બંધાવતા હતા અને એક આજનો સમય છે જ્યારે કેટલાક પાણીના વેપારીઓ લોકોને મીનરલ અને પેકેજ વોટરને નામે છેતરી રહ્યા છે. સરકારી ધારાધોરણ પ્રમાણે પેકિંગ, ગુણવત્તા, જથ્થો, ઉત્પાદકનું નામ, સરનામું, કિંમત સહિતની ગ્રાહકલક્ષી વિગતોનો ઉલ્લેખ મોટાભાગના ઉત્પાદકો દ્વારા કરવામાં આવી રહ્યો નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા પાણીના વેપારીઓ સામે તંત્ર પણ એક્શનમાં કેમ આવતું નથી એ મોટો પ્રશ્ર્ન છે.
ચોમાસામાં સ્વચ્છ દેખાતું પાણી પણ નોતરી શકે છે અનેક બીમારીઓ
- Advertisement -
ગેરકાયદે વેંચાતા પાણીના વેપલા સામે તંત્રના આંખ આડા કાન
રાજકોટમાં પાઉચમાં પીવાતું પાણી જોખમી લાગતા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ કોઇ જાતની પરમિશન કે આઇએસઆઇ માર્કા વગર મિનરલ વોટર કેરબામાં વેચાઇ રહ્યું છે. એક અંદાજ મુજબ શહેરમાં દર મહિને 15 કરોડથી વધુ મિનરલ વોટરનો વેપાર છે. આ પાણી કોણ, ક્યાંથી પાણી ભરીને શેરીગલીમાં વેચે છે તેની કોઇ તંત્રના ચોપડે નોંધ નથી. શહેરનું તંત્ર ગેરકાયદે વેચાતા પાણી પર ક્યારે કાર્યવાહી કરશે એ જોવું રહ્યું.
એક લિટર પાણીની બોટલના 20રૂ. અને 20 લિટર પાણીના જગના રૂ.20-30?
રાજકોટમાં વિવિધ કંપનીની આઈએસઆઈ માર્કવાળી મિનરલ વોટરની એક લિટર બોટલ 20 રૂ.માં મળે છે જ્યારે રાજકોટમાં જ નામ-ઠામ વગરના પ્લાસ્ટિક કેરબામાં 20 લિટર પાણી 35-40રૂ. મિનરલ વોટરના નામે પધરાવવામાં આવે છે. આટલો તફાવત કેમ એ કોઈ વિચારતું નથી. હકીકતમાં 35-40રૂ.માં 20 લિટર મિનરલ વોટર આપવું શક્ય જ નથી. આ પાણીમાં માત્ર તેને ઠંડુ રાખતા કેમિકલ ઉમેરી પધરાવી દેવામાં આવે છે.