વંથલી તાલુકામાં બિસ્માર રોડ મુદ્દે આંદોલનની ચિમકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વંથલી તાલુકાના મોટા ભાગના રસ્તા બિસ્માર હાલતમાં છે મસમોટા ખાડાથી આ બિસ્માર રસ્તા મગરમચ્છના પીઠ સમાન બન્યો છે ત્યારે કણજા ફાટકથી કણજડી, મોટા કાજલીયારા, બંધડા, બોડકા સુધીના રસ્તા મુદે આજે 3 ગામના સરપંચો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાને રજૂઆત કરી હતી તાત્કાલિક આ રસ્તા માટે કામગીરી શરૂ કરવા રજૂઆત કરી છે.
- Advertisement -
વધુમાં તેઓએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે કણજા થી બોડકા સુધીમાં આવતા આ વિસ્તારના લોકો છેલ્લા ત્રણ વર્ષથી ખરાબ રસ્તાને લીધે ભયંકર યાતના ભોગવી રહ્યા છે કમરતોડ રસ્તાને લીધે લોકોને કમરના દુખાવા થઈ ગયા છે તેમજ વાહનોમાં નુકશાન થતા આર્થિક રીતે પણ નુકશાની થઈ રહી છે તેમા પણ પેચવર્કની કામગીરીમાં ચાલતી લોલમલોલ અને લોટ પાણીને લાકડા જેવી કામગીરીને લીધે રસ્તાની હાલત વધુ ખરાબ બની છે અને મોટા ખાડાઓને લીધે હાલ ચોમાસામાં રસ્તામાં તળાવ ભર્યા હોય તેવી હાલત છે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી આગામી સમયમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવેતો આ ગામના લોકો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ અંગે આ વિસ્તારના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ પણ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માંગણી કરી છે.
જયારે મોટા કાજલયારા થી થાણા પીપળી માર્ગ પર રસ્તાની બંને બાજુ પર ગાંડા બાવળ ઉગીને રોડ વચ્ચે આવી ગયા છે જેને લઇ વાહન ચાલકોને મુશ્કેલી પડે છે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી તો આ ગાંડા બાવળનું જંગલ કટીંગ વહેલાસર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.



