મહિલા તલાટીની હાજરીમાં ટેબલ પર પગ ચડાવી પોતાનો રોફ જમાવતો હોવાનું નજરે પડ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
- Advertisement -
રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણ અને રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓને 30 ટકા અનામત આપી આગળ વધારવા માટેના પ્રયાસ કરી રહી છે પરંતુ રાજકીય ક્ષેત્રે મહિલાઓના નામે ચરી ખાતા તેઓના પતિ ચૂંટણીમાં વિજય થયેલી મહિલાઓને આગળ રાખી વહીવટ કરતા હોવાનું પણ મોટાભાગે નજરે પડે છે ત્યારે આ પ્રકારે એક કિસ્સો ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે સામે આવ્યો છે. જેમાં જસાપર ગામના મહિલા સરપંચના પતિ પ્રકાશ ગોઠી પોતાની ગ્રામપંચાયત ખાતે તલાટીની હાજરીમાં ટેબલ પર પગ ચડાવી આરામ ફરમાવતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. મહિલા સામે કઈ રીતે બેસવું ? અને મહિલાનો સત્કાર કઈ રીતે કરવો ? તે રાજકીય ક્ષેત્રે આવ્યા બાદ પણ સરપંચ પતિને હજુ ભાન નથી. કારણ કે જસાપર ગામે તલાટી પણ મહિલા છે
અને તેના સામે ટેબલ પર પગ ચડાવી પોતાની હલકી અને સંસ્કાર વગરની માનસિકતા દર્શાવી રહ્યો છે. જોકે ગ્રામ પાંચાયત ખાતે કામ વગર બેસવા અને સરપંચે જ તમામ જવાબદારી પૂર્વક કામ કરવાના બદલે અહી મહિલા સરપંચનો પતિ જ તમામ વહીવટ કરતો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે ત્યારે મહિલાઓના આદર કરવાના બદલે એક મહિલા સરપંચના પતિ આ પ્રકારે મહિલા તલાટી સામે ટેબલ પર પગ ચડાવી રોફ જમાવવા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ગ્રામજનો સહિત પંથકમાં ફિટકાર વર્ષી રહ્યો છે. ત્યારે આ વાયરલ થયેલ વિડિયો મામલે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી જસાપર ગામના સરપંચ પતિ સામે કેવા પ્રકારના પગલાં ભરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.