સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે માંગરોળના ટાવર રોડ પર બેન્કનો પ્રારંભ; 55 વર્ષથી સેવા આપતી બેન્કની ગ્રાહકલક્ષી સુવિધાઓનો વિસ્તાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
55 વર્ષથી બેન્કિંગ ક્ષેત્રે અવિરત સેવા આપી બહોળા ગ્રાહક વર્ગનો વિશ્વાસ સંપાદન કરનાર ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્કની 15મી શાખાનો શુભારંભ માંગરોળ ખાતે કરવામાં આવ્યો છે. ટાવર રોડ, જુના બસ સ્ટેશન પાસે શરૂ થયેલી આ શાખાનું ઉદ્ઘાટન તા. 18-11-2025, મંગળવારના શુભદિને જુનાગઢ-ગીર સોમનાથ લોકસભા વિસ્તારના સાંસદ રાજેશ ચુડાસમાના કરકમળોથી કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ શુભારંભ પ્રસંગે માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ક્રિષ્નાબેન થાપણિયા, જી.એસ.એફ.સી.ના ડિરેક્ટર વેલજીભાઈ મસાણી, માંગરોળના ઘાંચી અને ખારવા સમાજના પ્રમુખો, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા તેમજ વેરાવળ અને માંગરોળ નગરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, ડોક્ટર્સ, વ્યાપારીઓ અને વિવિધ જ્ઞાતિઓના પ્રબુદ્ધજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ રાજેશ ચુડાસમા અને અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શાખાનો શુભારંભ કરાયો હતો. સાંસદે બેન્કના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી અને આ વિસ્તારના લોકો માટે બેન્કિંગ સુવિધામાં વધારો કરવા બદલ બેન્ક બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. બેન્કના ચેરમેન નવીન શાહ, વાઈસ ચેરમેન ભાવનાબેન શાહ, તેમજ અન્ય ડિરેક્ટરો અને સીઈઓ અતુલ શાહે ઉપસ્થિત રહી પધારેલ સર્વેનું પુષ્પથી અભિવાદન કર્યું હતું. પારદર્શક વહીવટ, હકારાત્મક અભિગમ અને સ્મિત સાથે સેવા દ્વારા વિશ્વાસ હાંસલ કરનાર આ બેન્કની માંગરોળ શાખા શરૂ થતાં સ્થાનિક લોકોને વ્યાપાર-વ્યવસાયના વિકાસ માટે ધિરાણની વિવિધ યોજનાઓ સહિતની ગ્રાહકલક્ષી સેવાઓમાં ખૂબ જ સરળતા રહેશે.



