કોર્ટ અગાઉ 14મી નવેમ્બર (સોમવારે) આ અરજી પર પોતાનો ચુકાદો સંભળાવવા જઈ રહી હતી, પરંતુ તે દિવસે સિવિલ જજે તેને 17મી નવેમ્બર સુધી મુલતવી રાખી હતી
જ્ઞાનવાપી કેસ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વારાણસી ફાસ્ટટ્રેક કોર્ટ કથિત શિવલિંગની પૂજાની અરજી પર આજે ચુકાદો આપશે. હિન્દુ પક્ષે મસ્જિદ પરિસરમાં મળેલા કથિત શિવલિંગની પૂજા કરવાની પરવાનગી માંગી છે. કોર્ટ અગાઉ 14મી નવેમ્બર (સોમવારે) આ અરજી પર પોતાનો ચુકાદો સંભળાવવા જઈ રહી હતી, પરંતુ તે દિવસે સિવિલ જજ મહેન્દ્ર પાંડેએ તેને 17મી નવેમ્બર સુધી મુલતવી રાખી હતી.
- Advertisement -
અગાઉ વિવાદના બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે 27 ઓક્ટોબરે ટ્રાયલ પર પોતાનો આદેશ 8 નવેમ્બર સુધી અનામત રાખ્યો હતો. જજ 8 નવેમ્બરના રોજ રજા પર હોવાથી આ મામલો સોમવાર (14 નવેમ્બર) માટે પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તે દિવસે પણ ચુકાદો આવી શક્યો ન હતો. હવે આજે આ અરજી પર નિર્ણય આવે તેવી તમામ આશા છે.
મહત્વનું છે કે, વિશ્વ વૈદિક સનાતન સંઘના જનરલ સેક્રેટરી વાદી કિરણ સિંહે 24 મેના રોજ વારાણસી જિલ્લા કોર્ટમાં દાવો દાખલ કરીને જ્ઞાનવાપી પરિસરમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ, પરિસર સનાતન સંઘને સોંપવા અને શિવલિંગની પૂજા કરવાની પરવાનગીની માંગણી કરી હતી.
25મી મેના રોજ જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર, જ્ઞાનવાપી મસ્જિદની બાબતોનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા કમિટી અને વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને દાવોમાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા.
- Advertisement -
મસ્જિદ પરિસરનો વીડિયોગ્રાફિક સર્વે કરવામાં આવ્યો હતો
આ મામલામાં 26 એપ્રિલે નીચલી અદાલતે જ્ઞાનવાસી સંકુલનો વીડિયોગ્રાફિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે, સર્વેક્ષણ દરમિયાન મસ્જિદ પરિસરની અંદર એક ‘શિવલિંગ’ મળી આવ્યું હતું. જોકે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, આ માળખું ‘વજુખાના’ જળાશયમાં ફાઉન્ટેન સિસ્ટમનો એક ભાગ હતું, જ્યાં ભક્તો ‘નમાઝ’ અદા કરતા પહેલા ધાર્મિક વિધિઓ કરે છે.
નોંધપાત્ર બાબત એ છે કે, 20 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેસને સિવિલ જજ સિનિયર ડિવિઝનમાંથી ડિસ્ટ્રિક્ટ જજને ટ્રાન્સફર કરી દીધો હતો અને કહ્યું હતું કે, આ મુદ્દાની “જટીલતા” અને “સંવેદનશીલતા” ને ધ્યાનમાં રાખીને કોઈ વરિષ્ઠ ન્યાયિક અધિકારી આ કેસ સંભાળે તો સારું રહેશે.