ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સુપરસીડ કરવા નોટિસ આપી પાલિકાને કેમ સુપરસીડ ન કરવી તેનો જવાબ માંગતા મોરબી પાલિકાના શાસકોએ અમારી પાસે કંઈ આધાર-પુરાવા ન હોવાનો ગોળગોળ જવાબ આપતાં શહેરી વિકાસ વિભાગે મોરબી નગરપાલિકાને એસઆઈટીનો 50 પેઈજનો વિસ્તૃત અહેવાલ મોકલી સત્વરે જવાબ આપવા આદેશ કર્યો છે.
મોરબી ઝૂલતા પુલ દૂર્ઘટના કેસમાં હાઈકોર્ટમાં સુઓમોટો અંગે કાર્યવાહી ચાલી રહી છે જેની સુનાવણીમાં હાઈકોર્ટને સરકારે નગરપાલિકા સુપરસીડ કરવા અંગે જણાવ્યું હતું તેમજ ગત માસે સરકારના શહેરી વિકાસ વિભાગે નગરપાલિકાને કારણદર્શક નોટીસ ફટકારી જવાબ રજૂ કરવા જણાવ્યું હતું જેના જવાબમાં પાલિકાએ સાધારણ સભા બોલાવી સર્વાનુમતે ઠરાવ કરીને સરકાર પાસેથી જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા જેથી સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી ઝૂલતા પૂલ દુર્ઘટના કેસમાં જઈંઝ દ્વારા કરવામાં આવેલી તપાસનો 50 પેઈજનો રિપોર્ટ મોકલવામાં આવ્યો છે અને તેનાં આધારે તાત્કાલિક જવાબ રજૂ કરવા પણ સૂચના અપાઈ છે ત્યારે મોરબી નગરપાલીકા આ સંજોગોમાં સરકારને શું જવાબ આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.