ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કોઈપણ યુવતી માટે લગ્ન એ એના જીવનનો સૌથી મોટો પ્રસંગ અને જીવનનો વળાંક માનવામાં આવે છે. એ ભલે કોઈને કહે નહિ પરંતુ મનમાં ને મનમાં પોતાના લગ્નપ્રસંગ માટે દરેક દીકરીએ અનેક સ્વપ્નાઓ શણગારેલા હોય છે. આ દીકરીઓના દરેક સપનાને પુરા કરવા માટે તેમના પપ્પા પોતાની જીવનમૂડી ખર્ચી નાખતા પણ અચકાતા નથી.
વાત છે એવી ગરીબ દીકરીની કે… જેના લગ્ન તો થવા જઈ રહ્યા છે, પણ આજે તેના કોડ પુરવા માટે એના પિતા આ પૃથ્વી ઉપર હાજર નથી. દીકરીને લગ્નવિધિની ચિંતા નથી, કેમ કે એ તો સમૂહલગ્નના આયોજનમાં થઇ જશે. પરંતુ તેને ચિંતા હતી કે લગ્ન પ્રસંગે પોતાના ઘરે આવેલ 10-12 મહેમાનોને જમાડવું શું ?? આવી પરિસ્થિતિમાં પિતા વગરની એ દીકરીની મન:સ્થિતિ કેવી હશે એની કોઈ કલ્પના પણ કરી શકે નહિ.
- Advertisement -
આવા સમયે રોબિનહુડ આર્મી રાજકોટ ટીમની બહેનોને કોઈ રીતે આ દીકરીની વેદનાની જાણ થઇ. તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો, અને યુદ્ધસ્તર પર ખુબ જ ઝડપથી એ દીકરીના ઘરે ઉપસ્થિત મહેમાનો અને ઘરના સભ્યો માટે જરૂરી અનાજ-કરિયાણાની સંપૂર્ણ કીટ પહોંચાડી દેવામાં આવી. સાથે જ વિવાહિતા દીકરીના મનના ઓરતા અધૂરા ના રહે તે માટે રોબિન બહેનોએ સ્વખર્ચે અગિયાર સાડી, કટલેરી સેટ સહિતની જરૂરિયાતની ચીજ-વસ્તુઓ જાતે જઈને દીકરીના ઘેર પહોંચાડવામાં આવી.
ગરીબ લોકો માટે ભોજન પૂરું પાડવા સહીત અનેક્વિધ સેવા પ્રવૃત્તિ કરતી ‘ઝીરો ફંડ’ સંસ્થા એવી રોબિનહુડ આર્મી રાજકોટ ટીમની બહેનોની આ અનોખી સેવાને પણ શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ખુબ ખુબ સરાહના કરવામાં આવી રહી છે.