મવડીના સરકારી ખરાબામાં ખડકાયેલા
27 જેટલા મકાનો અને ઝૂંપડાઓ પર તંત્રનું બુલડોઝર ફરી વળશે
ખાસ-ખબર સંવાદદાતા
મવડીના સરકારી ખરાબામાંથી મકાનો અને ઝૂંપડાના દબાણો ત્રણ દિવસમાં હટાવવા માટે કલેકટર તંત્ર દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કેટલાક દિવસોથી સરકારી જમીનો અને ખરાબાઓ ઉપર ખડકાઈ ગયેલા દબાણો હટાવવાની ઝૂંબેશ ચાલી રહી છે જે અંતર્ગત તંત્રએ આ દબાણો હટાવી દેવા માટે દબાણકર્તાઓને બે-ત્રણ વખત નોટીસ ફટકારી હતી.
- Advertisement -
હવે ત્રણ દિવસની અંદર આ મકાનો અને ઝૂંપડાઓ ખાલી નહીં કરે તો નાછુટકે બુલડોઝર ફેરવી દેવાની તંત્ર ફિરાકમાં છે.
ગત સપ્તાહમાં રૈયાધારમાં જિલ્લા કલેકટરના આદેશ મુજબ પશ્ર્ચિમ મામલતદારે 15થી 16 જેટલા મકાનો અને 5થી 6 જેટલા ઝૂંપડા પર બુલડોઝર ફેરવી દઈ 10,000 ચો.મી. જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
આ અંગેની દક્ષિણ મામલતદાર કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દક્ષિણ મામલતદાર કચેરી હેઠળ આવતા મવડી સર્વે નં. 194ના સરકારી ખરાબાની 6000 ચો.મી. જેટલી સરકારી જમીન પર છેલ્લા કેટલાક સમયથી પશુપાલકો દ્વારા દબાણ ખડકી દેવામાં આવ્યા છે ત્યારે કલેકટર તંત્રને ધ્યાને આવતાં આ દબાણો હટાવી દેવા માટે ચોક્કસ સમય આપવામાં આવ્યો છે. આ જમીન પર 27 જેટલા કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓ છે જે હવે ટૂંક સમયમાં હટાવી દેવામાં આવશે.