મંદિરમાં નાગેશ્ર્વર-નાગેશ્ર્વરી તરીકે બિરાજમાન છે શિવ-પાર્વતી
નાગેશ્ર્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલાં ત્રિ-મુખી રુદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
- Advertisement -
ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ છે. એક સોમનાથ અને બીજું દ્વારકા નજીક આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધામથી લગભગ 16 કિમી દૂર સ્થાપિત છે. આ જ્યોતિર્લિંગનો મહિમા અભૂતપૂર્વ છે. અહીં દ્વારકાધીશ ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરતા હતા. પુરાણો પ્રમાણે, ભગવાન મહાદેવને નાગના દેવતા કહેવામાં આવે છે. શિવ પુરાણ પ્રમાણે, શ્રાવણ મહિનામાં આ પ્રાચીન નાગેશ્વર શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું છે. નાગેશ્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલાં ત્રિ-મુખી રુદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે. શિવલિંગ ઉપર એક ચાંદીનું આવરણ ચઢેલું છે અને એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. નાગેશ્વર શિવલિંગ પાછળ માતા પાર્વતીની સુંદર મૂર્તિ સ્થાપિત છે.
ગર્ભગૃહમાં પ્રવેશ કરવા માટે પુરુષ ભક્તે ધોતી પહેરીને આવવું જરૂરી છે. આજે પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવને સંધ્યા પુષ્પ શ્રૃંગાર સહ મહાભોગ અર્પણ કરાયો છે. મંદિર પરિસરમાં 125 ફૂટ ઊંચી શિવ પ્રતિમા છે મંદિરની બહારનાં પટાંગણમાં સ્વર્ગવાસી ગુલશનકુમાર ટ્રસ્ટે નવનિર્માણ દરમિયાન એક વિશાળ કદની ભગવાન શિવની મૂર્તિનું પણ નિર્માણ કર્યું છે. તમને બે કિલોમીટર દૂરથી જ ભગવાન શિવની ધ્યાન મુદ્રામાં એક મોટી મનમોહક અતિવિશાળ પ્રતિમા જોવા મળશે. શિવપુરાણ પ્રમાણે નાગેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં બાદ તેમની ઉત્પત્તિ અને માહાત્મ્ય સંબંધિત કથાને સાંભળવાથી દરેક પ્રકારનાં પાપ નષ્ટ થઇ જાય છે.
દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ
નાગેશ્વર મહાદેવ નામ પડવા પાછળની દંતકથા એક સમયે દારુકા નામની રાક્ષસી તેના રાક્ષસ પતિ દારુક સાથે જંગલમાં રહેતી હતી. માતા પાર્વતીએ દારુકાને વરદાન આપ્યું હતું કે તમે આ જંગલને તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો. તેમને અને તેમના પતિએ સમગ્ર જંગલમાં ખળભળાટ મચાવી દીધો હતો. આજુબાજુના બધા જ ચિંતિત હતા. તેથી તેઓ બધા મહર્ષિ અર્વ પાસે ગયા અને દારુકા અને તેના પતિ વિશે કહ્યું અને તેમનો ઉપાય પૂછ્યો હતો. એ સમયે મહર્ષિએ લોકોની રક્ષા માટે શ્રાપ આપ્યો કે જો આ રાક્ષસો પૃથ્વી પર હિંસા કરશે અથવા યજ્ઞમાં વિઘ્ન કરશે તો તે જ ક્ષણે તેમનો નાશ થશે. દેવતાઓને પણ આ વાતની જાણ થઈ, પછી તેમણે રાક્ષસો પર હુમલો કર્યો. એ બાદ રાક્ષસો વિચારવા લાગ્યા કે જો તેઓ દેવતાઓ સાથે યુદ્ધ કરશે તો તે જ ક્ષણે તેમનો નાશ થશે અને જો તેઓ યુદ્ધ નહીં કરે તો તેઓ યુદ્ધમાં પરાજય પામશે. બાદ દારુકાના મનમાં એક વિચાર આવ્યો અને તે તરત જ એ જંગલને ઉઠાવીને સમુદ્રની વચ્ચે લઈ ગયા હતા. આ પછી રાક્ષસો સમુદ્રની વચ્ચે આરામથી રહેવા લાગ્યા, પણ એક દિવસ ઘણી હોડીઓએ જંગલ તરફ આવી રહી હતી, જેમાં માણસો સવાર હતા. રાક્ષસોએ તે મનુષ્યોને જોયા અને તેમને બંધક બનાવ્યા હતા અને એ બંધકોમાં સુપ્રિય નામનો એક મહાન શિવભક્ત હતો. બંધક હોવા છતાં તે જેલમાં જ નિયમ અનુસાર ભગવાન શિવની પૂજા કરતો રહ્યો. જ્યારે રાક્ષસ દારુકને આ વાતની જાણ થઈ ત્યારે તેણે સુપ્રિયને કહ્યું કે જો તું શિવની પૂજા ચાલુ રાખશે તો હું તને મારી નાખીશ. એ જ ક્ષણે સુપ્રિયએ ભગવાન શિવનું સ્મરણ કર્યું, ભોલેનાથ તરત જ ત્યાં પ્રગટ થયા. ભગવાન શિવે એક જ ક્ષણમાં તમામ રાક્ષસોનો નાશ કર્યો. દારુક આ જોઈને સ્તબ્ધ થઈ ગયો અને તેની પત્ની દારુકા પાસે દોડી ગયો. એ સમયે ભગવાન શિવે આ વરદાન આપ્યું કે આજથી ચારેય વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર પોતાના ધર્મનું પાલન કરી શકશે. અહીં રાક્ષસોને સ્થાન નથી. ભગવાનની આ વાત સાંભળીને દારુકા ડરી ગઈ અને માતા પાર્વતીની સ્તુતિ કરવા લાગી. દારુકાએ માતા પાર્વતીને મારા વંશનું રક્ષણ કરવા કહ્યું. ત્યારે પાર્વતીજીએ તેમને આશ્વાસન આપ્યું અને ભોલેનાથને કહ્યું કે જો આ રાક્ષસોને બાળકો હોય તો શું તેઓ આ જંગલમાં રહી શકે? હું ઈચ્છું છું કે તેઓ પણ આ જંગલમાં રહે. આ રાક્ષસોને પણ આશ્રય આપો, કારણ કે મેં આ દારુકા રાક્ષસીને વરદાન આપ્યું હતું. શિવજી નાગેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં સદા માટે બિરાજમાન થયા એ સમયે ભગવાન શિવે તેમની વાત માનીને કહ્યું કે હું મારા ભક્તોની રક્ષા માટે કાયમ અહીં બેઠો છું.
- Advertisement -