દામોદરકુંડ પાસે ટ્રાફીકમાં થશે ઘટાડો : પરિક્રમા પહેલા ઉદ્ધાટન થઇ શકે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢથી ભવનાથ જવાનાં માર્ગ પર દામોદરકુંડ પાસે ટનલ બનાવવામાં આવી છે. લાંબા સમયથી ચાલતું કામ પૂર્ણતાનાં આરે છે. પરિક્રમા દરમિયાન ટનલનો ઉપયોગ થવાની સંભાવનાં છે અને તે પહેલા ઉદ્ધાટન કરવામાં આવે તેવી શકયતા છે. અહીં ટનલ કાર્યરત થતા દામોદરકુંડ પાસે ટ્રાફીકમાં ઘટાડો થશે. વર્ષો પહેલા ભવનાથ જવાનાં પાજનાકા પુલ પાસે શિવરાત્રીનાં મેળામાં ભાગદોડી મચી હતી.આ ઘટના બાદ ભવનાથ જવાનાં માર્ગને પહોંળો કરવામાં આવ્યો છે.તેમજ પાજનાકા પુલને પણ ડબલ કરવામાં આવ્યાં છે. હવે ભવનાથ સુધી માર્ગ પહોળો થઇ ગયો છે.પરંતુ દામોદરકુંડ પાસેના માર્ગમાં રહેણાંક મકાન હોય રસ્તો પહોળો થઇ શક્યો ન હતો. તંત્રએ વન વિભાગની મંજુરી મેળવી ડુંગર ખોદી રસ્તો પહોળો કરવાનો પ્રારંભ કર્યો હતો. એટલું નહી માત્ર દિવાલનું કામ શકય ન હોય અહીં ટનલ બનાવવાનો નિર્ણય કર્યો હતો. હાલ દામોદરકુંડ માર્ગ પર ટનલનું કામ પૂર્ણતાનાં આરે છે. મહાનગર પાલીકા દ્વારા પેવર રોડ બનાવવામાં આવી રહ્યો છે. પરિક્રમા દરમિયાન ટનલનો ઉપયોગ જવાની સંભાવનાં છે અને તે પહેલા ટનલનું ઉદ્ધાટન કરવામાં આવે તેવી શકયતા છે.ટનલની દિવાલોમાં રંગબેરંગી કલર કરવામાં આવ્યાં છે.જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.