કૌરવોનાં જન્મની આખી ઘટના કોઇ વિજ્ઞાનથી કમ નથી. ઓર્ગન રી-જનરેશન માટે યુ.એસ. પેટન્ટ મેળવી ચૂકેલા ડો. બી.જી. માતપુરકરનું કહેવું છે કે મહાભારતકાળમાં ઋષિ-મુનિઓ પાસે ફક્ત ટેસ્ટ-ટ્યુબ તથા ગર્ભ છુટો પાડવાની વિધિ જ નહીં, પરંતુ બહાર કાઢેલા માંસપિંડને ગર્ભાશય વગર ઉછેરી શકવાની એવી તકનિક મૌજૂદ હતી.
મૉડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
ઋષિ-મુનિઓ પાસે એવા પ્રકારનું વિજ્ઞાન હતું જેની મદદ વડે તેઓ માતાનાં ગર્ભાશય વગર પણ સંતતિને જન્મ આપી શકતાં.
- Advertisement -
ગાંધારી અને ધૃતરાષ્ટ્રનાં 101 સંતાન વિશેની કથા સાંભળીએ ત્યારે હંમેશા એક પ્રશ્ન ઉદભવે કે, એકીસાથે આટલા બધા બાળકોનો જન્મ શી રીતે શક્ય બને? વિશ્વનાં મોટાભાગનાં ઇતિહાસકારો અને તત્વચિંતકોએ મહાભારતને કપોળકલ્પિત ગ્રંથ ગણાવ્યો! પરંતુ આજે એ તમામ લોકો નતમસ્તક થઈને આપણા મહાકાવ્યોની ભવ્યતા સ્વીકારવા તૈયાર છે. એકવીસમી સદી જ્યારથી શરૂ થઈ, ત્યારથી વિજ્ઞાને હરણફાળ ભરી. અશક્ય લાગતી વૈજ્ઞાનિક ખોજને અતિ બુધ્ધિશાળી મગજોએ હકીકત બનાવી. અને ત્યારબાદ, જ્યારે ફરી આપણા ઇતિહાસ અને પુરાણોમાં ડોકિયા કરાયા ત્યારે એમને માલૂમ પડ્યું કે મોટાભાગનાં આધુનિક સંશોધનનો ઉલ્લેખ તો ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી કરવામાં આવ્યો છે! સ્ટેમ-સેલ ટેકનોલોજી વિશે આપ કેટલું જાણો છો?
સાવ સરળ ભાષામાં કહેવું હોય તો, શરીરનાં કોઇ ભાગ પરથી ખેંચી લેવામાં આવેલા કોષ પરથી લેબોરેટરીમાં એ ચોક્ક્સ શારીરિક ભાગની રેપ્લિકા બનાવી શકાય છે. આધુનિક વિજ્ઞાને આને સ્ટેમ-સેલ ટેકનોલોજીનું નામ આપ્યું છે. દાખલા તરીકે, ચામડીનાં સ્ટેમ-સેલ પરથી બીજી નવી ચામડી બનાવવી શક્ય છે, સ્નાયુનાં સ્ટેમ-સેલનો ઉપયોગ કરીને નવા સ્નાયુ બનાવી શકાય છે, સ્ટેમ-સેલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શરીરમાંથી બ્લડ સેલ (રક્તકણો)નું સેમ્પલ લઈ લેવામાં આવે તો તેનાં પરથી નવા રક્તકણો (નવું લોહી સુધ્ધાં!) બનાવી શકવાની પધ્ધતિ હાલનાં વિજ્ઞાન પાસે છે. કેટલીક જાતનાં કેન્સર તથા લોહીને લગતાં અતિ ગંભીર રોગમાં સ્ટેમ-સેલ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
ઋષિ-મુનિઓ પાસે એવા પ્રકારનું વિજ્ઞાન હતું જેની મદદ વડે તેઓ માતાનાં ગર્ભાશય વગર પણ સંતતિને જન્મ આપી શકતાં. જીનેટિક્સ, ક્લોનિંગ (એક મૂળ કે પૂર્વજમાંથી લૈંગિક પ્રક્રિયા વિના પેદા થયેલ જીવ), ટેસ્ટ-ટ્યુબ બેબી તથા સ્ટેમ-સેલ ટેકનોલોજી તો ફક્ત આધુનિક શબ્દો છે. મહાભારતમાં આદિપર્વ અધ્યાય 114નાં શ્લોક ક્રમાંક 1 થી 36 દરમિયાન મહર્ષિ વેદ વ્યાસનાં હસ્તિનાપુર આગમન તેમજ કૌરવોનાં જન્મ વિશેની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
મહર્ષિ વેદ વ્યાસ જ્યારે હસ્તિનાપુર પધાર્યા ત્યારે ગાંધારીએ તેમની ખૂબ સેવા કરી. જેનાથી પ્રસન્ન થયેલા ઋષિએ તેમને એક વરદાન માંગવાનું કહ્યું. ગાંધારીએ પોતાનાં પતિ ધૃતરાષ્ટ્ર સમાન બળશાળી એવા પુત્રોની માંગણી કરી, જે તેમનાં રાજ્યને તમામ શત્રુઓથી રક્ષણ અપાવી શકે! મહર્ષિ તો ‘તથાસ્તુ’ કહીને પોતાનાં માર્ગે જવા રવાના થઈ ગયા.
- Advertisement -
ગાંધારીને ગર્ભવતી થયાને હવે નવ મહિના વીતી ચૂક્યા હતાં. છતાં પણ બાળકનાં આગમનનાં કોઇ એંધાણ નહોતાં જણાતાં. એક વર્ષ વીત્યું, દોઢ વર્ષ વીત્યા! ગાંધારીની ધીરજ હવે ખૂટી રહી હતી. ધૃતરાષ્ટ્રનાં નાના ભાઈ પાંડુની પત્ની કુંતીને ત્યાં એક બાળક (યુધિષ્ઠિર)નો જન્મ થઈ ચૂક્યો હતો. આથી એ પણ નક્કી હતું કે જયેષ્ઠ પુત્ર જ હસ્તિનાપુરની રાજગાદીનો વારસ બનશે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો ઉચાટ દિવસે ને દિવસે વધી રહ્યો હતો. એમ કરતાં-કરતાં ગાંધારીનાં ગર્ભને બે વર્ષ પૂરા થઈ ગયા. એક દિવસ તેણે ક્રોધમાં આવીને પોતાનાં ગર્ભ પર જોરથી પ્રહાર કર્યો. પરિણામસ્વરૂપ, (આજની મેડિકલ લેંગ્વેજમાં જેને ‘મિસકેરેજ’ કહે છે એ) તેનાં પેટમાંથી બાળકને બદલે માંસનો આખો પિંડ બહાર નીકળ્યો. આ સાથે જ, વેદ વ્યાસને તેડું મોકલવામાં આવ્યું. જ્યારે મહર્ષિ ફરી પધાર્યા ત્યારે ગાંધારીએ તેમણે આપેલા વરદાન પર શંકા વ્યક્ત કરી.
દુર્યોધનનો જન્મ ‘અભિમાન’નું પ્રતિક છે,
ગાંધારીએ પોતાનાં પતિ માટે આંખે પાટા બાંધ્યા’તા
પરંતુ મહર્ષિ વ્યાસ તો મનમાં ને મનમાં મલકાઈ રહ્યા હતાં. તેમણે ગાંધારીને કહ્યું કે હાસ-પરિહાસ દરમિયાન કહેલી મારી વાતો પણ ક્યારેય મિથ્યા નથી હોતી, તો પછી મારું આપેલું વરદાન તો કઈ રીતે નિષ્ફળ જઈ શકે!? તમે શક્ય એટલી ત્વરાથી સો કુંડ (ઘડા) તૈયાર કરાવડાવી એને ઘી વડે ભરી દો!
આટલું કહીને મહર્ષિએ માંસ-પિંડનાં સો ટુકડા કર્યા. દરેક ટુકડાંનું કદ હાથનાં નાનકડાં અંગૂઠા જેવડું રાખવામાં આવ્યું. ગાંધારીએ એમને પુત્રી-પ્રાપ્તિ માટે પણ યાચના કરી. પરિણામસ્વરૂપ, મહર્ષિએ માંસપિંડમાંથી 101મો ટુકડો અલગ કાઢ્યો. આ પ્રક્રિયા પૂરી થતાંવેંત ઘી તેમજ અન્ય કેટલીક આયુર્વેદિક ઔષધિથી ભરાયેલા 101 ઘડાઓમાં તમામ ટુકડાઓને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા. મહર્ષિએ આગળની પ્રક્રિયા માટે ઋષિ દ્વૈપાયનને જવાબદારી સોંપી. દ્વૈપાયને તમામ ઘડાની આજુબાજુ ભીનું કપડું વીંટાળી તેને માનવ-નિર્મિત ગુફામાં રાખી દીધા, જેનું તાપમાન ખૂબ ઉંચુ રાખવામાં આવ્યું હતું. (હવે ફરી એકવાર સ્ટેમ-સેલ ટેકનોલોજી વિશે અગાઉ આપેલી સમજણ વાંચી જાઓ. બંને વચ્ચેનાં તાણાવાણા મળી આવશે.)
બરાબર બે વર્ષનો સમયગાળો વીત્યા બાદ, જે ઘડાને સૌથી પહેલા ગુફામાં મૂકાયો હતો તેને ખોલવામાં આવ્યો, જેમાંથી દુર્યોધનનો જન્મ થયો. એ જ દિવસે, કુંતીએ વાયુદેવનાં આહ્વાહન વડે સેંકડો હાથીનું બળ ધરાવતાં ભીમને જન્મ આપ્યો. એક મહિના પછી ક્રમશ: દુ:શાસન સહિત અન્ય 98 કૌરવો જન્મ્યા. સૌથી છેલ્લે જન્મી : કૌરવોની એકમાત્ર બહેન – દુશલા! આ રીતે, માત્ર એક માંસપિંડ થકી 101 સંતાનો જન્મ્યા. (દુર્યોધનનો જન્મ થયો એ દિવસ હસ્તિનાપુર માટે ઘણો ભયાવહ રહ્યો હતો. ચારેકોર અફડાતફડી મચી ગઈ હતી. પ્રાણીઓ કોઇ કારણ વગર મોટે-મોટેથી રૂદન તેમજ ગર્જનાઓ કરી રહ્યા હતાં. પરિસ્થિતિ પારખી જઈને વિદુરે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સાવધ પણ કર્યા કે આ તમામ સંકેતો વિનાશનું સૂચન કરે છે. નવજાત દુર્યોધન સમગ્ર કુરૂવંશનાં વિધ્વંશનું કારણ બનશે, માટે એનો ત્યાગ કરી તેને મારી નાંખવામાં આવે તો અને તો જ સંકટ ટળી શકે એવી સંભાવના છે! પરંતુ પુત્ર-પ્રેમને કારણે તેઓ દુર્યોધનનો ત્યાગ ન કરી શક્યા.)
કૌરવોનાં જન્મની આખી ઘટના કોઇ વિજ્ઞાનથી કમ નથી. ઓર્ગન રી-જનરેશન (અંગોને નવજીવન પ્રદાન કરવું તે) માટે યુ.એસ. પેટન્ટ મેળવી ચૂકેલા ડો. બી.જી. માતપુરકરનું કહેવું છે કે મહાભારતકાળમાં ઋષિ-મુનિઓ પાસે ફક્ત ટેસ્ટ-ટ્યુબ તથા ગર્ભ છુટો પાડવાની વિધિ જ નહીં, પરંતુ બહાર કાઢેલા માંસપિંડને ગર્ભાશય વગર ઉછેરી શકવાની એવી તકનિક મૌજૂદ હતી, જ્યાં સુધી આપણું વિજ્ઞાન હજુ સુધી નજર સુધ્ધાં નથી કરી શક્યું! દુર્યોધનનો જન્મ ‘અભિમાન’નું પ્રતિક છે. ગાંધારીએ પોતાનાં પતિ માટે આંખે પાટા બાંધ્યા. પરંતુ ખરેખર આવું પગલું ઉઠાવીને તેણે પોતાની બુધ્ધિ પર પણ અંધારપટ લાવી દીધો! પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ, નાક, કાન, જીભ, ત્વચા) અને પાંચ કર્મેન્દ્રિયો (હાથ, પગ, મોં, ગુદા, જનનાંગ) જ્યારે દસેય દિશાઓ (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઇશાન, નૈઋત્ય, વાયવ્ય, આગ્નેય, આકાશ, પાતાલ) સાથે મળે છે, ત્યારે કુલ સો (10 જ્ઞાનેન્દ્રિય ગુણ્યા 10 દિશા=100) પ્રકારની અપેક્ષાઓ, ઇચ્છાઓ, વિચારો, મહત્વકાંક્ષાઓ તથા સપનાઓને જન્મ આપે છે. ગાંધારીની તમામ ઇન્દ્રિયો તેની બુધ્ધિનાં અંધત્વનાં પ્રભાવ હેઠળ આવી. તેનું મગજ દસ દિશામાં સમજ્યા-વિચાર્યા વગર દોડ્યું. જેનાં ફળસ્વરૂપ, કૌરવોનો જન્મ થયો! આથી પુરાણોમાં કૌરવોને હંમેશા હીનદ્રષ્ટિથી (અંધ બુધ્ધિ + અંધ મગજ) જ જોવામાં આવ્યા છે.
મહાભારતનાં આ પ્રસંગને ભગવદગીતાનાં એક શ્લોક વડે વર્ણવી શકાય એમ છે :
बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जित: |
अनात्मनस्तु शत्रुत्वे वर्ते तात्मैव शत्रुवत् ||
(ભગવદગીતા ૬.૬)
અર્થ : જેમણે પોતાનાં મન પર કાબૂ મેળવી લીધો છે એમનાં માટે તે મિત્ર સમાન છે. પરંતુ જે વ્યક્તિ આમ નથી કરી શક્યો એનો સૌથી મોટો દુશ્મન એનું પોતાનું મન છે.