પોલીસે સમજાવટ બાદ ફરિયાદ નોંધવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો, ત્રણ ઈસમોની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
માળીયા-હળવદ હાઈવે પર આવેલ અણીયારી ટોલનાકા પર મોડી રાત્રીના ટ્રક ડ્રાઈવરને માર મારવામાં આવતા ટ્રકચાલકો દ્વારા ટ્રક રોડ પર રોકી દઈને ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
જેથી પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. આ બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ત્રણ આરોપીની અટકાયત કરી છે.
માળીયા નજીક આવેલા અણીયારી ટોલનાકે કચ્છના ટ્રક ડ્રાઈવર ધનાભાઇ જગાભાઇ કલોતરા પોતાનો ટ્રક અણીયારી ટોલનાકા નજીક રાખીને નજીકની હોટેલમાં ચા પીવા ગયા હતા ત્યારે ટોલનાકાના સિક્યુરીટી ગાર્ડ દ્વારા ટ્રક રોડ પરથી હટાવવા મામલે ડ્રાઈવર સાથે રકઝક કરી હતી અને બાદમાં ત્રણ અજાણ્યા સિક્યુરીટી ગાર્ડે આવીને ટ્રક ડ્રાઈવર ધનાભાઇને માર માર્યો હતો.
- Advertisement -
જેથી ધનાભાઇએ અન્ય ટ્રક ચાલકોને રોકીને આ બનાવ અંગે જાણ કરતા ટ્રક ચાલકોનો રોષ ભભૂક્યો હતો તેમજ બનાવના વિરોધમાં તમામ ટ્રક ચાલકોએ રોડ પર ટ્રક રાખી ચક્કાજામ કરી દીધો હતો.
જેથી માળિયા અમદાવાદ હાઈવે બંધ થયો હતો અને વાહનોની પાંચેક કિલોમીટર કરતા વધુ અંતર સુધી લાંબી લાઈનો લાગી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતા માળિયા પોલીસને થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રકચાલકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો તેમજ ભોગ બનનાર ધનાભાઇ કલોતરાની ફરિયાદ નોંધતા મામલો થાળે પડ્યો હતો.
માળિયા પોલીસે ટ્રક ચાલકની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં માર મારનાર આરોપી સીદીક મોવર, સીદીક જેડા અને યારમહમદ મોવર હોવાનું સામે આવતા તમામની પોલીસે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.