9400 બોગસ ડોલર પધરાવતા હતા: 1.41 લાખનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં સસ્તા ભાવે ડોલર આપવાનું કહી બોગસ અમેરિકી ડોલર પધરાવી દેતી ટોળકીને ગ્રામ્ય એસઓજીની ટીમે ભાડલા પાસેથી દબોચી લીધી છે આ ત્રિપુટી પાસેથી 9400 ડોલરની બોગસ નોટો મળી હતી રાજકોટના એક વ્યક્તિને ખોટા ડોલર આપી રૂ.1.40 લાખ લઈ આરોપીઓ જસદણ બાજુ શિકારની શોધમાં હતા અને ભાડલા પાસે વોચ ગોઠવી દબોચી લીધા હતા.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસવડા જયપાલસિહ રાઠોડ દ્વારા જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ઉપર પકડ મજબૂત રાખવાની સૂચના અન્વયે એસ.ઓ.જી. પીઆઈ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. સી. મિયાત્રાની રાહબરીમાં એસ.ઓ.જી સ્ટાફ જસદણ તથા ભાડલા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન હેડ.કોન્સ વિજયભાઇ વેગડને ખાનગી રાહે હકિકત મળેલ કે જસદણ – કમળાપુર રોડ, બરવાળા ગામના પાટીયા સામે હોટેલ ખાતે કમળાપૂરના ભાવેશભાઇ ઉગરેજીયા, ચંદુભાઇ ઉગરેજીયા તથા અજય ચુડાસમા ત્રણેય ત્યાં હાજર હોય અને તેની પાસે શંકાસ્પદ અમેરીકન ડોલરની ચલણી નોટો હોય, જે મળેલ હકીકત આધારે ત્રણેયને સકંજામાં લઈ જડતી લેતા તેના કબ્જામાંથી ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકન ડોલરની 96 ચલણી નોટો શંકાસ્પદ રીતે મળી આવતા ભાડલા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ હતી પોલીસે ભાવેશ કુરજી ઉગરેજીયા ઉ.36, ચંદુ કુરજી ઉગરેજીયા ઉ.43 અને ભાવનગર જિલ્લાના હડમતીયાના અજય હિંમત ચુડાસમા ઉ.30ની અટકાયત કરી હતી.
- Advertisement -
આરોપીઓ પાસેથી ફેડરલ રીઝર્વ નોટ ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકાની વન ડોલરની ચલણી નોટો 2, ફેડરલ રીઝર્વ નોટ ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકાની 100 ડોલરની ચલણી નોટો-94, ભારતીય ચલણની 500ના દરની અસલ નોટો 282 જેની કિંમત રૂ.1,41,000 તેમજ બે બાઇક , 6 મોબાઇલ સહિત કુલ રૂ.2,02,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં અજય મુંબઈથી નકલી ડોલર લઈ આવ્યો હતો અને ગઇકાલે જ રાજકોટના રાજૂ જરીયા નામના શખ્સને લાલચ આપી જસદણ બોલાવી તેને નકલી ડોલર પધરાવી 1.41 લાખ પડાવી લીધાનું જાણવા મળતા ત્રણેયની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.