ડિજિટલ અવતાર ક્રિએટ કરવા અવાજ, ફોટો અને વીડિયોનો ઉપયોગ
ચીનમાં અત્યારે પરંપરાગત તહેવાર ટોંબ-સ્વીપિંગ ઉજવાઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન પરિવારજનો તેમના મૃત સ્વજનોની કબર સ્વચ્છ કરે છે. શણગાર કરે છે, સમારકામ કરે છે અને તેમની સાથે વીતાવેલા સમયને યાદ કરે છે. આ તહેવાર તો સેંકડો વર્ષોથી ઉજવાતો આવ્યો છે, પરંતુ આ વર્ષે એ ખાસ એટલા માટે બન્યો છે કે મૃત સ્વજનોને જીવતા કરીને લોકો તેમની સાથે વાતચીત કરી રહ્યા છે.
- Advertisement -
ચીનમાં એઆઈ ટૂલ્સથી મૃત લોકોનો ડિજિટલ અવતાર ક્રિએટ કરવામાં આવે છે. મૃત વ્યક્તિનો ફોટો, વિડીયો, ઓડિયો હોય તો એના આધારે એઆઈ ટૂલ તેમની એક ડિજિટલ આવૃત્તિ બનાવે છે. તેને ડિજિટલ હ્મુમન કે વર્ચ્યુઅલ હ્મુમન કહેવાય છે. એ આબેહૂબ માણસની પ્રતિકૃતિ જ હોય છે. તેના ચહેરાના હાવભાવ હોય છે, વાતો કરે છે. જેટલો ડેટા એમાં ઉમેરવામાં આવે એ પ્રમાણે એ વિષયની વાતો આ વર્ચ્યુઅલ હ્મુમન્સ કરે છે. ચીનમાં વર્ચ્યુઅલ હ્મુમન માત્ર ૨૫૦ રૂપિયામાં પણ બની શકે છે. પછી જેમ જેમ ડિજિટલ અવતાર બહેતર બનાવવો હોય તેમ ફંડ વધતું જાય છે. ૨૦ યુઆન એટલે અંદાજે ૨૫૦ રૂપિયામાં મૃત વ્યક્તિ જીવંત થઈ શકતી હોવાથી લોકોમાં તેમના ડિજિટલ અવતાર ક્રિએટ કરવાનો ક્રેઝ જામ્યો છે. એના કારણે ચીનમાં જ ડિજિટલ હ્મુમનનું વાર્ષિક માર્કેટ ૧૩ હજાર કરોડને પાર પહોંચી ગયું છે અને ૨૦૨૫ સુધીમાં એમાં બમણો વધારો થાય એવી શક્યતા છે.
જોકે, આ અંગે એક્સપર્ટ્સ બે ભાગમાં વહેચાઈ ગયા છે. ઘણાં લોકો મૃત વ્યક્તિના ડિજિટલ અવતાર બનાવવાને અયોગ્ય ગણે છે. ધાર્મિક દૃષ્ટિકોણ ધરાવતા લોકો તેને અનૈતિક ગણે છે અને કુદરતી ક્રમ સાથે બાંધછોડ થતી હોવાનો મત વ્યક્ત કરે છે. જોકે, તેની તરફેણ કરતા લોકોનો મત છે કે મૃતકના પરિવારજનોને તેનાથી માનસિક રાહત મળે છે. ડિજિટલ સ્વરૂપે સ્વજન તેમની વચ્ચે હોવાનું લાગે છે તો એમાં કંઈ ખોટું નથી. પોતાના મૃત સ્વજન સાથે જોડાઈ રહેવાનો આ નવો ટ્રેન્ડ ચીનમાં બેહદ પોપ્યુલર થઈ રહ્યો છે.
2024માં વર્ચ્યુઅલ હ્મુમનનું ગ્લોબલ માર્કેટ 17 અબજ ડોલરે પહોંચ્યું
- Advertisement -
૨૦૨૧માં વર્ચ્યુઅલ હ્મુમનનું વૈશ્વિક માર્કેટ ૧૧.૩ અબજ ડોલર હતું. ૨૦૨૪ની શરૂઆતમાં એ માર્કેટ વધીને ૧૫-૧૭ અબજ ડોલરને પાર પહોંચી ગયું છે. અંદાજ એવો છે કે ૨૦૩૦ સુધીમાં આભાસી માનવોની ડિમાન્ડ એટલી વધી જશે કે એનું ગ્લોબલ માર્કેટ ૪૪૦ અબજ ડોલર જેટલું મોટું થઈ જાય તોય નવાઈ પામવા જેવું નહીં હોય. વર્ચ્યુઅલ હ્મુમન મેકિંગના માર્કેટનો વાષક વૃદ્ધિ દર ૪૪ ટકાનો અંદાજવામાં આવે છે.