ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી નોંધાવ્યો વિરોધ, વેપારીઓ-ગ્રાહકોના વાહન વારંવાર ટો કરાતા મામલો ગરમાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની વર્ષો જૂની અને મુખ્ય બજારો ધર્મેન્દ્ર રોડ, દાણાપીઠ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ સહિતના વિસ્તારમાં આજ સુધી ટ્રાફિક પ્રશ્ન હલ થયો નથી. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ અને મનપાની જગ્યા રોકાણ શાખા દ્વારા શહેરના ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓ તેમજ ગ્રાહકોના વાહન ટોંઇગ કરતા વેપારીઓ દ્વારા બપોરે 2 વાગ્યા સુધી દુકાનો બંધ કરી ઉગ્ર વિરોધ નોંધાવામાં આવ્યો હતો . ઉલ્લેખનીય છે કે રાજકોટની મુખ્ય બજારોમાં માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ આસપાસના ગામડાઓનો લોકો પણ ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વહેલી તકે હલ થશે તેવી વેપારીઓને આશા છે. વેપારીઓએ કહ્યું હતું કે મનપા અને ટ્રાફિક પોલીસની અયોગ્ય કામગીરીથી અમેન ભારે નુકસાન થઇ રહ્યું છે. દુકાન દિઠ 2 વાહન પાર્ક કરવાની મંજૂરી મળી છે છતાં ટ્રાફિક જવાનો અમારા વાહન ટો કરી જાય છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી ગ્રાહકો પણ હવે આવતા નથી જેથી તમામ વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. અમે તંત્ર સામે યોગ્ય ન્યાય અને ટ્રાફિક તેમજ પાર્કિંગની અવ્યવસ્થા દૂર થાય તેની માગણી કરીએ છીએ.