બ્લૂ ઓરિજિનની 2022માં ત્રીજી ફ્લાઈટ ઉપડવા માટે તૈયાર, છ સ્પેસ ટૂરિસ્ટને મોકલશે
ખાસ-ખબર સંવાદદાતા
જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનની 2022માં ત્રીજી સ્પેસ ટૂરિસ્ટ ફ્લાઈટ 4થી ઓગસ્ટે ઉપડશે. આ ફ્લાઈટમાં છ ટૂરિસ્ટ સ્પેસમાં જઈને ઝીરો ગુરૃત્વાકર્ષણની સ્થિતિનો અનુભવ કરશે. બ્લૂ ઓરિજિનની આ છઠ્ઠી સ્પેસ ફ્લાઈટ હશે. દુનિયાના ટોચના ધનવાનોમાં સામેલ એવા જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનની સ્પેસ ફ્લાઈટ 4થી ઓગસ્ટે છ સ્પેસ ટૂરિસ્ટને લઈને અવકાશમાં જશે. વેસ્ટ ટેક્સાસની સાઈટ પરથી વહેલી સવારે આ ફ્લાઈટ ઉડાન ભરશે. એમાં એક મહિલા સહિત છ અવકાશયાત્રીઓ રવાના થશે.
- Advertisement -
થોડીક મિનિટો માટે સ્પેસ ટૂરિસ્ટ ઝીરો ગ્રેવિટીમાં રહેતા હોવાથી ભારવિહિન સ્થિતિનો અનુભવ કરે છે.
2022ના વર્ષમાં બ્લૂ ઓરિજિનની આ ત્રીજી સ્પેસ ટૂરિસ્ટ ફ્લાઈટ છે. 2021માં બ્લૂ ઓરિજિનની પ્રથમ ફ્લાઈટ અંતરિક્ષમાં પહોંચી ત્યારે કંપનીના સ્થાપક જેફ બેઝોસ પણ સ્પેસ ટૂરિસ્ટ બનીને અંતરિક્ષમાં પહોંચ્યા હતા. એ પછી કંપનીની આ છઠ્ઠી ફ્લાઈટ છે.
સ્પેસ ફ્લાઇટમાં કોણ જશે ?
આ સ્પેસ ફ્લાઈટમાં ઈજિપ્ત અને પોર્ટુગલના નાગરિકો પહેલી વખત સ્પેસમાં જશે. તે ઉપરાંત બ્રિટિશ અમેરિકન મહિલા સાહસિક વેનેસા ઓબ્રેઈન પણ ફ્લાઈટ મારફતે અવકાશમાં જઈને નવો વિક્રમ નોંધાવશે. અગાઉ વેનેસા સમુદ્ર અને ધરતી પર સાહસો કરી ચૂકી છે.