રોડ પર બંને વચ્ચે લડાઇ જામતાં વાહનવ્યવહાર થંભી ગયો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.27
મોરબીમાં લાંબા સમયથી રખડતા પશુનો ત્રાસ ઘટવાને બદલે હવે વધ્યો છે. વારંવાર આખલાઓ વચ્ચે લડાઈ જામે છે. દરમિયાન આજે મોરબીના સ્વચ્છતા રોડ ઉપર બે ખુટિયાએ દંગલ મચાવ્યું હતું. આ ખુટિયાઓ વચ્ચે ખાસ્સો સમય સુધી લડાઈ જામી હતી.આ બન્ને ખુંટિયાઓ ખાસ્સો સમય સુધી જાહેર રોડને યુદ્ધનું મેદાન બનાવી આંતક મચાવતા થોડી વાર માટે વાહન વ્યવહાર અટકી ગયો હતો.
- Advertisement -
જો કે, શહેરના મુખ્ય વિસ્તાર હોય કે અંદરની શેરી ગલી, દરેક વિસ્તારમાં રઝળતા પશુઓ આંતક મચાવે છે. પરંતુ હમણાંથી મોરબી મહાનગરપાલિકાએ રઝળતા પશુને પકડીને ગૌશાળા તેમજ પાંજરાપોળમાં મોકલવાની કામગીરી હાથ ધરી છે અને મનપા વારંવાર રખડતા પશુને પકડ્યા હોવાનો દાવો કરે છે. પણ હકીકતમાં કાયમી રખડતા પશુઓની આવી રંજાડ સામે આવતી હોવાથી મનપાના દાવા પોકળ ઠરે છે.