ગિરનાર અંબાજી મંદિરના વાયરલ વિડીયોથી વિવાદ વકર્યો
વિડીયો સાચો કે બદનામ કરવાનો પ્રયાસ? : ઋજક તપાસ થઈ કે નહીં? સસ્પેન્શન નિર્ણય પર સવાલો ઉઠ્યા
- Advertisement -
કલેક્ટરે તપાસના આદેશ કર્યા પણ સત્યતા અંગે હજુ પ્રશ્ર્નો યથાવત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢના ગિરનાર પર્વત સ્થિત માં અંબાજી મંદિરને લગતા એક કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ધાર્મિક અને સામાજિક સ્તરે ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. વિડીયોમાં અમુક તત્વો દ્વારા દારૂ અને નોનવેજના સેવનના આક્ષેપો સામે આવતા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. વહીવટી તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાનો દાવો કરતો એક વિડીયો બહાર આવતા મામલો ગંભીર બન્યો છે. આ મુદ્દે તાત્કાલિક અસરથી જૂનાગઢના એસ.ડી.એમ.ને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ગિરનારની પવિત્રતા અને ભક્તોની લાગણી સાથે ચેડાં કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે અને તપાસમાં દોષિત સાબિત થનાર સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. પ્રાથમિક તબક્કે વિડીયોમાં દેખાતા કેટલાક શખ્સોને ગિરનાર પર્વત પર જવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે આ સાથે જ મંદિરના પૂજારીઓ અને સ્ટાફ સામે કરવામાં આવેલી કાર્યવાહી હવે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.
આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ બન્યો છે કે શું માત્ર એક વિડીયો ક્લિપના આધારે પૂજારીઓ અને સ્ટાફને સસ્પેન્ડ કરવો યોગ્ય નિર્ણય હતો? સ્થાનિકો અને સનાતન ધર્મના અનુયાયીઓમાં આ મુદ્દે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ઘણા લોકોનો પ્રશ્ન છે કે વિડીયોની સત્યતા અને સમયસંદર્ભની પૂરતી ચકાસણી કર્યા વગર જ ઉતાવળમાં પગલાં લેવામાં આવ્યા છે કે નહીં. આક્ષેપો મુજબ હજુ સુધી સ્પષ્ટ નથી કે આ વિડીયો તાજેતરનો છે કે જૂનો. કેટલાક લોકોનું માનવું છે કે શક્ય છે કે જૂની ક્લિપને ફરીથી વાયરલ કરીને મંદિર અથવા વહીવટી તંત્રને બદનામ કરવાનો પ્રયાસ થયો હોય. બીજી તરફ વિડીયોમાં દેખાતા લોકો ખરેખર મંદિરના પૂજારીઓ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ છે તે બાબતે પણ તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ ઉપરાંત એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે વિડીયોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (ઋજક) દ્વારા ખરાઈ કરવામાં આવી છે કે નહીં. જો તપાસના અંતે સસ્પેન્ડ કરાયેલા પૂજારીઓ અથવા સ્ટાફ નિર્દોષ સાબિત થાય, તો અત્યાર સુધી થયેલી તેમની સામાજિક અને ધાર્મિક બદનામીની જવાબદારી કોણ લેશે તે મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે. માં અંબાજી મંદિર સાથે જોડાયેલા અનેક ભક્તો અને સંસ્થાઓએ માંગણી કરી છે કે આ મામલે પારદર્શક તપાસ કરવામાં આવે. સાથે જ આ વિડીયો કોણે વાયરલ કર્યો અને તેનો મૂળ હેતુ શું છે તેની સાયબર ક્રાઈમ દ્વારા તપાસ થવી જોઈએ. ઉપરાંત વિડીયોમાં સામેલ વ્યક્તિઓ અંગે સ્પષ્ટતા કરીને નિર્દોષ લોકોને ન્યાય અપાવવા તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠી રહી છે. હાલમાં સમગ્ર મામલે એસ.ડી.એમ. સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે અને તેના અહેવાલ પર હવે સૌની નજર છે. જિલ્લા કલેક્ટરે પણ જણાવ્યું છે કે તપાસના અંતે ગિરનારની પવિત્રતા અને લાખો શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચાડનાર જે કોઈ દોષિત હશે તેના સામે દાખલારૂપ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ગિરનાર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ લાખો ભક્તોની આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક છે. જો વિડીયો સાચો સાબિત થાય તો દોષિતોને સખત સજા મળવી જરૂરી છે, પરંતુ જો આ સમગ્ર મામલો કોઈ ષડયંત્રનો ભાગ હોય તો નિર્દોષ પૂજારીઓ અને સ્ટાફને ન્યાય મળવો પણ એટલો જ જરૂરી છે. તેથી વહીવટી તંત્ર દ્વારા પારદર્શક અને ઊંડી તપાસથી સત્ય બહાર આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Advertisement -
વાયરલ વિડીયો મામલે આ મુદ્દે તપાસ થવી જરૂરી
1) વિડીયો ક્યારેનો છે? : શું આ તાજેતરનો વિડીયોે છે કે જૂની ક્લિપ ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે?
2) સ્થળની પુષ્ટિ : વિડીયોમાં દર્શાવાયેલ સ્થળ ખરેખર ગિરનાર પર્વત પર આવેલ માં અંબાજી મંદિરનું જ છે કે અન્ય કોઈ સ્થળ?
3) વિડીયોમાં દેખાતા લોકોની ઓળખ : વિડીયોમાં દેખાતા લોકો ખરેખર મંદિરના પૂજારીઓ અથવા સ્ટાફ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ?
4) ઋજક ફોરેન્સિક તપાસ : વિડીયોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા સત્યતા અને એડિટિંગ અંગે તપાસ કરવામાં આવી છે કે નહીં?
5) સોશિયલ મીડિયા સ્ત્રોત : આ વિડીયો સૌપ્રથમ કોના દ્વારા અને કયા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વાયરલ કરવામાં આવ્યો?
6) વહીવટી તંત્રની કાર્યવાહીનો આધાર : પૂજારીઓ અથવા સ્ટાફ સામે લેવાયેલા પગલાં કયા પુરાવાના આધારે લેવામાં આવ્યા?
7) નિર્દોષ સાબિત થાય તો જવાબદારી : જો તપાસમાં આરોપીઓ નિર્દોષ સાબિત થાય તો તેમની થયેલી સામાજિક અને ધાર્મિક બદનામી માટે જવાબદારી કોણ લેશે?



