નર્મદા લાઈનમાં ભંગાણ કરીને 3000 ફ્લેટમાં ગેરકાયદે પાણીના કનેક્શન આપી પાણીચોરી કરાતી હોવાનો પર્દાફાશ બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટના કાંગશિયાળી ગામ આસપાસમાં બનેલી સોસાયટીઓમાં સ્થાનિક નેતાઓ અને અગ્રણીઓએ હાઈવે પરથી પસાર થતી નર્મદા લાઈનમાં ભંગાણ કરીને 3000 ફ્લેટમાં ગેરકાયદે પાણીના કનેક્શન આપી પાણીચોરી કરાતી હોવાનો પર્દાફાશ કર્યો હતો તેમાં પાણી પુરવઠા વિભાગે કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી સવારે જ સ્થળ પર પહોંચી ગયા હતા અને લાઈનમાં તપાસ કરતા ખેતરો ખોદીને છેક સોસાયટીની લાઈન હાઈવે પરની મુખ્ય લાઈન સુધી પાઈપ બિછાવ્યા હતા અને તેમાં ભંગાણ કરીને કનેક્શન આપ્યું હતું.
આ લાઈનમાંથી બાદમાં અલગ અલગ સોસાયટીઓને પાણી આપવા ગેરકાયદે નેટવર્ક ઊભું કર્યું હતું આવા છ નેટવર્ક કનેક્શન કાપવામાં આવ્યા છે. આ અંગે પાણી પુરવઠા તંત્રના અધિકારીએ જણાવ્યું કે, આ તમામના નળ કનેક્શન કાપવાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે અને પછી તે અંગે ફરિયાદ સહિતની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર રિપોર્ટ કરાશે જ્યાં તમામ સોસાયટીઓને નોટિસ ઈસ્યૂ કરાશે.
આ અંગે તપાસ કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક વર્ષ અગાઉ પણ આ વિસ્તારમાં પાણીચોરી માલૂમ પડી હતી અને ત્યારે નળ કનેક્શન કાપી તત્કાલીન અધિકારીઓએ રૂડાને કહ્યું હતું કે, આ વિસ્તારમાં રોજનું 10 લાખ લિટર પાણીની જરૂરીયાત છે અને તેથી નળ કનેક્શન માટે નેટવર્ક બિછાવી પાણી પૂરું પાડવું જોઈએ પણ તંત્રએ આ મામલે કોઇ કાર્યવાહી ન કરતા ફરીથી પાણીચોરી શરૂ કરી હતી.


