ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હાઇવે પર માર્ગ અકસ્માતમાં ઘટાડો નોંધાય તે માટે બેઠકમાં રોડ એન્જિનિયરિંગ સહિતની બાબતોની કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે રોડ સેફટી કામગીરી અને અવેરનેસની ફલશ્રુતિ રૂપે વર્ષ 2023ની સાપેક્ષ વર્ષ 2024માં ગંભીર અકસ્માતમાં નોંધનીય 10 % જેટલો ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું હતું. આજે કલેક્ટર પ્રભવ જોશીએ રાજકોટ ગોંડલ રોડ હાઇવે સંલગ્ન સર્વિસ રોડને સ્મુધ કરવા ખાસ તાકીદ કરી હતી. સર્વિસ રોડ પર પડેલા ગાબડાંઓને પેચવર્ક કરી રીપેર કરવા, નજીના દબાણો દૂર કરવા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને ખાસ સુચના આપી હતી. સાથોસાથ રાજકોટથી કુવાડવા તરફ જતા હાઇવેમાં સર્વિસ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી થી ગોંડલ ચોકડી સુધીમાં સર્વિસ રોડ વહેલી તકે રીપેર કરવા એજન્સીઓને સુચના આપી હતી. જ્યારે જ્યારે પડધરી બાયપાસ પાસે તેમજ સર્કલ આસપાસ હોટલોના દબાણો દૂર કરવા સહિતના આદેશ આપ્યા હતા.