અહીં મહર્ષિ દયાનંદને બોધ પ્રાપ્ત થયાનું માની આર્યસમાજીઓ બોધમંદિર માને છે
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર જગતને મહાન સામાજીક ક્રાંતિકારી સંત મહર્ષિ દયાનંદ સરસ્વતિ જેવા ૠષિની ભેટ આપનાર ટંકારા શહેરના મુખ્ય પ્રવેશદ્વારની બહાર જુના બસસ્ટેશન નજીક અતિ પૌરાણીક હજારો વર્ષ પુરાણુ કુબેરનાથ મહાદેવ મંદિર આવેલુ છે. આ મંદિરની વિશેષતા એ છે કે, એક જ પટાંગણમાં એક કુબેરનાથ તો બીજા સુખનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે.
ટંકારા શહેરની ભૌગોલિક રચના પ્રમાણે શહેરના મુખ્ય પ્રવેશદ્વારની બહાર ડેમી નદીના કાંઠે જુના બસસ્ટેશન નજીક કુબેરનાથ મહાદેવનું હજારો વર્ષ જુનુ ભોળાનાથનું મંદિર આવેલુ છે. આ મંદિરની વિશેષતાએ છે કે, એક જ પરીસરમાં બબ્બે સ્વયંભુ શિવલીંગ આવેલ છે જેમાં એક કુબેરનાથ મહાદેવ અને બીજા સુખનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે. સમગ્ર વિશ્વને મહાન સંત મહર્ષિ દયાનંદ સરસ્વતિની ભેટ મળી છે તે કુબેરનાથની દેન હોવાનું ભાવિકજનો શ્રધ્ધાપૂર્વક કહે છે. શ્રાવણ માસના અંતે આખો માસ શિવજીની ભક્તિ કરનારા ભકતજનો ભેળા મળીને ભોળાનાથનો ભંડારો યોજે છે જેમાં સેવકગણ દ્વારા મહાઆરતી, રાજભોગ દર્શનના કાર્યક્રમની પરંપરા આજે પણ નિભાવાય છે. હાલ મંદિરની સેવાપુજા બળવંતગીરી ગોસાઈ કરે છે.
- Advertisement -
સમય જતા સુખનાથ મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર મોરબીના બ્રહ્મ દાતા દિનેશભાઈ પંડયા અને વિજયભાઈ ભટ્ટના યોગદાનથી કરવામાં આવલ હતો જયારે કુબેરનાથ મંદિર આજે પણ પુરાણી અવસ્થામાં અકબંધ છે. અહીંયા શિવભકતો બારે માસ ભક્તિ કરે છે. તેમાયે શ્રાવણ માસમાં ભકતોની ભારે ભીડ જામે છે. કુબેરનાથને ઈષ્ટદેવ તરીકે પુજતા બ્રહ્મસમાજ ટંકારાના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી (રાણા) એ દેવાધિદેવ મહાદેવની સન્મુખ ભગવાન વિષ્ણુનો છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામ દાદાનું મંદિર બાંધી પ્રાણ પ્રતિષ્ઠા કરી ભગવાન પરશુરામને બિરાજમાન કર્યા છે. હર્ષદભાઈ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે જગતપિતા ભોળાનાથને ખરા હૃદય ભાવથી શ્રાવણ માસમાં માત્ર જલાભિષેકથી ભજવામાં આવે તો ત્રિલોકનાથ જરૂર તેનો સ્વીકાર કરીને રીઝે છે અને ભક્તો ઉપર કૃપા ઉતરે છે જેના અનેક દાખલા મોજુદ છે.