યુપીમાં અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે મથુરા સહિત અનેક મોટા મંદિરોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મંદિરોની સાથે અલ્હાબાદ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને દિલ્હી-પ્રયાગરાજ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ વોટ્સએપ પર આપવામાં આવી છે. આ ધમકી શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસના વાદી આશુતોષ પાંડેના વોટ્સએપ પર વોઈસ મેસેજ દ્વારા આવી છે. મેસેજ જોતાની સાથે જ આશુતોષ પાંડેએ પ્રયાગરાજ પોલીસને તેની જાણ કરી હતી.
માહિતી મળતાં પોલીસે તમામ સ્થળોએ એલર્ટ જારી કરીને ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. જીઆરપીએ ધમકીભર્યા મોબાઈલ નંબરના આધારે કેસ નોંધીને તપાસ પણ શરૂ કરી છે. જો કે આ પહેલા પણ આશુતોષ પાંડેના મોબાઈલ પર ઘણી વખત આવી ધમકીઓ મળી ચુકી છે. પોલીસને આપેલી ફરિયાદમાં પોતાને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ વૃંદાવન મથુરાના પ્રમુખ તરીકે ઓળખાવનાર આશુતોષ પાંડેએ કહ્યું કે, મોડી રાત્રે તેમના મોબાઈલ પર વોઈસ મેસેજ દ્વારા કોલ આપવામાં આવ્યો હતો.
- Advertisement -
તેમાં કહેવામાં આવ્યું હતું કે, અલ્હાબાદ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, મથુરા, પ્રયાગરાજ અને દિલ્હી રેલ્વે સ્ટેશન સહિત અનેક મંદિરોને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. વોઈસ મેસેજના લગભગ એક કલાક પછી વોટ્સએપ પર કોલ પણ આવ્યો. આમાં ફરીથી ધમકીનું પુનરાવર્તન કર્યું હતું. આ સમયે આશુતોષ બ્રહ્મપુત્ર મેલમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે સમગ્ર કોલ રેકોર્ડ કરીને તરત જ રેલવે હેલ્પલાઇન નંબર 139 પર માહિતી આપી હતી. ધમકી બાદ પોલીસ પણ તેમની બોગીમાં આવીને ચેકિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. સાથે જ સંબંધિત સ્થળોની પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી.