ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જૂનાગઢ વંથલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગલિયાવડ ખાતે 5 ગામોની પીવાના પાણીની સુવિધામાં વધારો કરવા માટે રૂ.1.74 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગલીયાવડ સબ હેડ વર્કસનું શાસ્ત્રોત પૂજન સાથે ખાતમુહૂર્ત કર્યું હતું. આ સબ હેડ વર્કસના નિર્માણ થયેથી ગલીયાવાડ, ખલીલપુર, વધાવી, તલિયાધર અને વીરપુર ગામને નર્મદાનું પીવાના પાણી મળી રહેશે. સાથે જ પૂરતા પ્રેશરથી પણ પાણી ગ્રામજનોને મળશે.આ પ્રસંગે ધારાસભ્ય જણાવ્યું કે, ગલિયાવડ સબ હેડ વર્કસના નિર્માણથી 5 ગામોની પીવાના પાણીની સુવિધામાં વધારો થશે. ગુજરાત સરકાર અને પાણી પુરવઠા બોર્ડ પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ચિંતા કરે છે. ઉપરાંત તેમણે સુજલામ સુફલામ અભિયાન હેઠળ ભૂગર્ભ જળસ્તર ઉચા આવે તે તળાવ અને ચેકડેમના નિર્માણ માટે પણ ભાર મૂક્યો હતો.