ભગનાથમાં ગટરનાં કામ શરૂ હોય લાઇટો બંધ થઇ ગઇ
પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢને આગળ લઈ જવાની વાતો સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જૂનાગઢ ની ઓળખ એટલે કે ગરવો ગઢ ગિરનાર પરંતુ રાત્રિના સમયે ગિરનારની સીડીઓ પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી શ્રદ્ધાળુઓમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીંની સીડીઓની સ્ટ્રીટ લાઈટો બંધ જોવા મળી રહી છે. ગિરનારની સીડીઓ જંગલના મધ્યમાં આવેલી છે અને અહીં અવારનવાર સિંહ દીપડા સહિતના હિંસક પ્રાણીઓ આવી ચડતા હોય છે. જેથી કોઈ દુર્ઘટના બને તે પહેલા તાત્કાલિક ગિરનારની સીડી પર આવેલ સ્ટ્રીટ લાઈટ શરૂ કરવા માંગ ઉઠી છે.મનપાના નગરસેવક લલિત પરસાણા એ જણાવ્યું કે, એક બાજુ સરકાર મોટા મોટા વાયદા કરે છે અને જૂનાગઢને પ્રવાસન ક્ષેત્રે આગળ લઇ જવા માંગે છે, પરંતુ ગિરનારની સીડીની સ્ટ્રીટ લાઈટ રીપેર નથી કરી શકતી તો આ સરકાર જૂનાગઢને ક્યાંથી આગળ લઈ આવશે. ત્યારે વહેલી તકે ગિરનારની સીડી ની સ્ટ્રીટલાઇટો શરૂ કરવા નગરસેવકે માંગ કરી છે.મનપાના રોશની શાખાના અધિકારી હાજા ચુડાસમાએ જણાવ્યું કે, ભવનાથ વિસ્તારમાં ચાલતું ડ્રેનેજના કામના લીધે સ્ટ્રીટલાઇટના કેબલોમાં નુકસાન થયું છે અને જેના કારણે સ્ટ્રીટ લાઈટો બંધ છે. આજે સવારથી પાવર ન હોવાથી કામ નથી થયું .એક-બે દિવસમાં ફરીથી સ્ટ્રીટ લાઈટો શરૂ થશે તેવી ખાત્રી આપી હતી.


