આજે અઠવાડિયાનો ત્રીજો દિવસ છે અને આજે શેરબજાર બંધ રહેશે. આજે માર્કેટ બંધ હોવાને કારણે BSE અને NSE ટ્રેડિંગ થઈ શક્શે નહીં.
આજે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને શેરબજાર બંધ રહેશે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પણ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. ત્યાર બાદ સાંજે 5 થી 11:55 સુધી ટ્રેડિંગ થશે. આ પછી હવે શેરબજાર ફક્ત નાતાલના દિવસ પર જ બંધ રહેશે, જે વર્ષની છેલ્લી રજા હશે.
- Advertisement -
મહારાષ્ટ્રમાં આજે થઈ રહ્યું છે મતદાન
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનને કારણે આજે (20 નવેમ્બર) ભારતીય શેરબજારો ટ્રેડિંગ માટે બંધ રહેશે. ભારતના ચૂંટણી પંચ (ECI) 2024ની 15મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચની જાહેરાત અનુસાર, મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં 4,136 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) સવારના સત્ર માટે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ટ્રેડિંગ માટે બંધ રહેશે. સાંજનું ટ્રેડિંગ સત્ર સાંજે 5 વાગ્યાથી 11:55 વાગ્યા સુધી ટ્રેડિંગ માટે ખુલ્લું રહેશે. બીજી તરફ, ભારતનું સૌથી મોટું એગ્રી કોમોડિટી એક્સચેન્જ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX) બંધ રહેશે. બુધવારે પૂરા થતા કરાર મંગળવાર (19 નવેમ્બર 2024) સુધી લંબાવવામાં આવ્યા છે.
આ રીતે માર્કેટની રજાઓની વિગત જોઈ શકો છો
શેરબજારમાં ક્યા દિવસે રજા હોય છે તે ઘણા લોકોને ખ્યાલ હોતો નથી ત્યારે જો તમારે શેરબજારની રજાઓ અંગેની માહિતી જાણવી હોય તો, BSEની સત્તાવાર વેબસાઇટ bseindia.com પર જઈને તમે અહીં ટ્રેડિંગ હોલિડેઝ વિકલ્પ પર ક્લિક કરો છો, તો વર્ષ 2024માં શેરબજારની રજાઓની સંપૂર્ણ વિગત તમને મળશે. શેરબજારની રજાઓની યાદી અનુસાર નવેમ્બર 2024માં ત્રણ શેરબજાર રજાઓ છે. જેમાંથી પહેલી રજા પહેલી નવેમ્બરે દિવાળી-લક્ષ્મી પૂજા, બીજી 15 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને ત્રીજી 20 નવેમ્બરે વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવી છે.
મંગળવારે બજાર ઉછાળા સાથે બંધ રહ્યું
મંગળવારે (19મી નવેમ્બર) લાંબા સમય બાદ બજારમાં થોડી તેજી જોવા મળી હતી અને બજાર ગ્રીન સીગ્રનલમાં ખુલ્યું હતું, જે એક સમયે ભારે ઉછાળા સાથે અંતે અચાનક ઘટ્યું હતું. છેલ્લા સત્રમાં ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 78,451.65 પોઈન્ટ અને નિફ્ટી- 50 પણ 23,780.65 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. પરંતુ અંતે BSE સેન્સેક્સ 239.37 પોઈન્ટના વધારા સાથે 77,578.38 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ માત્ર 64.70 પોઈન્ટના વધારા સાથે 23,518.50 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
સ્ટોક માર્કેટ ટ્રેડિંગ કલાક
સામાન્ય દિવસોમાં શેરબજાર સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લું રહે છે. શેરબજારમાં ટ્રેડિંગ સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધી થાય છે. શનિવાર અને રવિવારે શેરબજાર બંધ રહે છે.