કોરોના પછી અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ મુશ્કેલીમાં છે: હાઉસિંગ સેસ માફ: ડેવલપમેન્ટ ચાર્જ સહિતના વિવિધ ચાર્જ ઘટાડાયા
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના પછી મંદીનો સામનો કરી રહેલ અલંગના શીપ બ્રેકીંગ ઉદ્યોગને નાણાકીય રાહત આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. 2018-19માં અલંગમાં 219 જહાજો આવ્યા હતા, જે ઘટીને 2022-23 131 થઇ ગયા હતા. ગુજરાત મેરીટાઇમ બોર્ડે આ વર્ષના માર્ચમાં આ ક્ષેત્રને નાણાંકીય રાહત આપવાની એક ભલામણ રજૂ કરી હતી, જે રાજ્ય સરકારે મંજૂર કરી છે.
- Advertisement -
તેના અનુસાર 200 રૂપિયા પ્રતિ ચોરસ મીટરની હાઉસીંગ સેસ માફ કરવામાં આવી છે અને ડેવલપમેન્ટ ચાર્જ 327 રૃપિયા પ્રતિ ચોરસ મીટરથી 50 ટકા ઘટાડીને 163.50 રૃપિયા પ્રતિ ચોરસ મીટર કરી દેવાયો છે. સરકરે રીસાયકલ થવા આવનાર ભારતીય જહાજો માટેની લાઇટ ડીસ્પ્લેસમેન્ટ ટનેજ (એલડીટી)નો દર પણ 135 રૃપિયાથી ઘટાડી 100 રૃપિયા પ્રતિ એલડીટી કરી નાખ્યો છે. આ રાહતના કારણે સરકાર પર વાર્ષિક 30 કરોડ રૃપિયાનો બોજો આવશે.
ગુજરાત મેરીટાઇમ બોર્ડના એક સીનીયર અધિકારીએ કહ્યું કે પાડોશી દેશોમાં રીસાયકલીંગ ચાર્જીસ નીચા હોવાના કારણે અલંગમાં ડિસ્મેન્ટલીંગ માટે આવતા જહાજોની સંખ્યા ઘટી ગઇ છે. આ ઉદ્યોગે ઇમ્પોર્ટ ડયુટીમાં સંપૂર્ણ માફીની માંગણી કરી હતી, જે કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં સ્વીકારી લીધી હતી. અલંગમાં મંદીના કારણે ધંધાર્થીઓ અને મજૂરો બન્નેનું કામ ઘટી ગયું છે અને આ વિસ્તાર જે એક વખત જહાજ તોડવાના અવાજોથી ગુંજતો રહેતો હતો તે અત્યારે વેરાન દેખાઇ રહ્યો છે.