ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.22
ગાંધીનગરમાં વિવિધ સરકારી વિભાગોમાં કામ કરતાં કાયમી કર્મચારીઓને સરકાર દ્વારા ફાળવવામાં આવતા મકાનો હવે સરકારી કર્મચારીઓ પોતાની મિલ્કત સમજી ખાલી જ કરી રહ્યા નથી. જેમાં અમુક કર્મચારીઓ તો બીજે નવા મકાન મળ્યા હોવા છતાં પણ મકાન છોડી નવા મકાનમાં જતા નથી. સરકારનું માર્ગ અને મકાન વિભાગ માત્ર નોટિસ આપી આગળ કોઈ નક્કર કાર્યવાહી જ નથી કરી રહ્યું. ગાંધીનગરમાં સેક્ટર ખાસ 28, 29, 21, 22, 20,19 જેવા સેક્ટરોમાં ચ, છ અને જ ટાઇપ સરકારી મકાનો આવેલા છે. આ મકાનો ગાંધીનગર શહેરના નિર્માણ બાદ વર્ષો પહેલાં રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વિવિધ સરકારી વિભાગો અને કેન્દ્ર સરકારના અમુક વિભાગોના કર્મચારીઓને આ મકાનો રહેવા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતા હતા. જે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ મકાનોની દેખરેખ, નિયંત્રણ અને ફાળવણી કરવામાં આવે છે. માર્ગ મકાન વિભાગમાંના એક સિનિયર કર્મચારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગાંધીનગરમાં આવેલા સરકારી મકાનો કે જે લગભગ 40 વર્ષ જેટલા જૂના થઈ જવા પામ્યા છે. તેના બાંધકામને તોડી પાડવા માટે પણ કાર્યવાહી થઈ ગઈ છે અને કોઈ કાટમાળ તૂટવાથી જાનહાની અટકાવવા માટે માર્ગ મકાન વિભાગે 1600 જેટલી નોટિસો આપી દીધી હોવા છતાં કર્મચારીઓ ગંભીરતાથી તેને લઈ રહ્યા નથી અને મકાન ખાલી કરી રહ્યા નથી.
- Advertisement -
સામાન્ય માણસ પાસે કાયદાનું પાલન કરાવતી સરકાર હવે પોતાના કર્મચારીઓની જીદ સામે નતમસ્તક થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસો ફાળવવામાં આવી છે, જેમાં ગાંધીનગરમાં સરકારી મકાનો ખાલી નહીં કરી તેની પર કબજો કરી લેવાની એક નહીં પણ ઢગલો ફરિયાદો સામે આવી છે.