સરકારી હોસ્પિટલમાં 400થી વધુ OPD નોંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
ચોટીલા તાલુકામાં થયેલી મેઘમહેરથી ખેડૂતોમાં સારા પાકની આશા જાગી હતી, પરંતુ તેની સાથે જ ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરો સહિતના જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે. છેલ્લા થોડા દિવસોથી રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
ચોટીલા તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી વાદળછાયું વાતાવરણ અને મિશ્રિત ઋતુના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં તાવ, શરદી, ઉધરસ, દુખાવા, ઝાડા-ઊલટી અને વાયરલ ફ્લૂ જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
ચોટીલા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે દૈનિક 400થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. આ ઉપરાંત, ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની ભીડ જોવા મળે છે. ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ અને દુખાવાના કેસો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.
- Advertisement -
ચોટીલા રેફરલ હોસ્પિટલના ડો. મુકેશ સાકરીયાએ જણાવ્યું કે, “અત્યારે ઓપીડીમાં 400થી વધારે કેસ નોંધાય છે. તેમાં વાયરલ ફ્લૂને લગતા તાવ, શરદી, ઉધરસ, દુખાવાના કેસોમાં વધારો થયો છે. મચ્છરજન્ય રોગ પણ જોવા મળી રહ્યા છે.”
રોગચાળામાં નિયંત્રણ લાવવા માટે ચોટીલા શહેરમાં મેડિકલ ટીમ દ્વારા પાણીમાં ક્લોરિનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, વધતા જતા કેસો જોતા આરોગ્ય તંત્ર દ્વારા વધુ સઘન પગલાં લેવાય અને નાગરિકો પણ સ્વચ્છતા જાળવી સહકાર આપે તે આવશ્યક છે.