ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા આયોજિત ‘60માં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર’ સ્પર્ધામાં વિશ્વભરમાંથી 60 હજાર એન્ટ્રી આવી હતી જેમાં રાજકોટના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભવ્ય યોગેશભાઇ જોષીએ ચેકર્ડ કિલબેક સાપ (જળસાપ)ની આ તસવીર રજૂ કરી હતી. રાજકોટના જળાશયમાં માછલી પકડવાનો પ્રયાસ કરી રહેલા જળસાપની ઝુંડની આ તસવીર વિદેશી નિર્ણાયકોને ભવ્ય લાગી હતી અને ભવ્ય જોષીની આ તસવીર રેપટાઇલ્સ અને એમ્ફિબિયન્સ કેટેગરીમાં પ્રથમ પાંચમાં પસંદગી પામી હતી. ભવ્ય જોષીએ કહ્યું હતું કે, લંડનમાં દર વર્ષે યોજાતી આ સ્પર્ધા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીના ઓસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ભવ્યએ એમ પણ કહ્યું હતું કે, આ તસવીર રાજકોટના જળાશયની છે. આ તસવીર માટે પાંચ વર્ષથી મહેનત કરતો હતો. ચોમાસામાં જ આ દૃશ્ય જોવા મળે છે. આ અંગેની ડોક્યુમેન્ટરી પણ બનાવી છે અને જે આગામી ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે.