પહેલાં બાબાસાહેબની પ્રતિમાનું નાક તોડ્યું…હવે કાન પકડી માફી માગી: ખોખરામાં મૂર્તિ ખંડિત કરનાર બે આરોપીનું સરઘસ કાઢ્યું, હજુ ત્રણ ફરાર
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદના ખોખરામાં કે.કા.શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી ખોખરા પોલીસને સોંપતા તેમણે સરઘસ કાઢ્યું હતું. જ્યારે 3 આરોપીઓ હજુ પણ ફરાર છે. આ સાથે જ ખંડિત પ્રતિમાને હટાવીને નવી પ્રતિમાનું અનાવરણ થતા જ બે દિવસથી ચાલતાં ધરણાં પણ પૂર્ણ થઇ ગયા છે.
ખોખરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી ઘટનાસ્થળે લઈ જઈ રિક્ધસ્ટ્રક્શન કર્યું હતું. જેમાં બાબાસાહેબની પ્રતિમાનું નાક તોડનારા આરોપીઓ કાન પકડી વાંકા વળી માફી માગતા જોવા મળ્યા હતા. આ અંગે સ્થાનિક મહિલા આગેવાન અનામિકાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, પરંતુ હજુ ત્રણ આરોપીની ધરપકડ કરવાની બાકી છે. આ આરોપીઓની પોલીસે જલ્દીથી જલ્દી ધરપકડ કરવી જોઇએ. પોલીસ પોઇન્ટ અને સીસીટીવી કેમેરા મુકવાની પણ અમારી માગ છે, જેને જલ્દીથી પૂર્ણ કરવામાં આવે. તો વધુમાં સ્થાનિક આગેવાન પ્રકાશભાઈ અને ગૌરાંગભાઈએ જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જેથી આંદોલન આજે પૂર્ણ કર્યું છે.

- Advertisement -
પરંતુ હજી ત્રણ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે, તેની જલદીથી જલદી ધરપકડ કરવામાં આવે એવી માગ કરી છે, સાથે સીસીટીવી કેમેરા લગાવવા અને પોલીસ પોઇન્ટ મૂકવાની પણ અમારી માગ છે.
રવિવારે મોડીરાત્રે કેટલાક અજાણ્યા શખસોએ ખોખરામાં જયંતિ વકીલની ચાલી બહાર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થરો મારીને નાખ તોડી નાખ્યું હતું. જે અંગે જાણ થતાં સ્થાનિકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. સ્થાનિકો અને દલિત સંગઠનો ખંડિત પ્રતિમા પાસે ધરણાં પર બેસી ગયા હતા અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરી તેમનું સરઘસ કાઢવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાં પર બેસી રહેવાની જાહેરાત કરવામાં આવી હતી. મંગળવારે સાંજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મૂર્તિ ખંડિત કરનાર બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે બાકીના ત્રણ આરોપીઓ ફરાર છે.



