હરિસિંહે કહ્યું કે, તાત્કાલિક 20 લાખ નહીં આપો તો જિંદગી હરામ કરી નાંખીશું!
અધિકારી તરીકે ઓળખ આપનાર મહિલાએ કહ્યું: કોના કોના મર્ડર થાય છે એ જોજો!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે આપણે રાજકોટમાં બનેલી હનીટે્રપની એક ઘટના વિશે જાણ્યું. વાત વીસ લાખ સુધી પહોંચી ગઈ હતી. દરમિયાન નિલિમાએ હરિસિંહ (નામ બદલાવ્યું છે) નામનાં એક શખ્સને મધ્યસ્થીમાં લીધો. હરિસિંહ તેનો જ માણસ છે. હરિસિંહે જયેશભાઈ (બદલાવેલું નામ)ને ખૂબ દબાવ્યા. આખો મામલો તેણે પોતાનાં હાથમાં લઈ લીધો. હરિસિંહે જયેશભાઈને કમ સે કમ ડઝનો ફોન કર્યાં અને અનેક ધમકીઓ આપી. અરજીમાં જણાવ્યું છે કે, ‘હરિસિંહે અનેક વખત મને ફોન કરીને ધમકાવ્યો કે જો તું તાત્કાલિક વીસ લાખ રૂપિયા નહીં આપે તો નિલિમા તને અને શરદભાઈને ફિટ કરી દેશે અને મારા પણ મુંબઈમાં સંબંધો હોવાથી તને જીવવાનું હરામ કરી દેશું! હું અને નિલિમા અત્યારે પોલીસ સ્ટેશન જઈ જ રહ્યાં છીએ.’ આ પછી જયેશભાઈ હરિસિંહ પાસે રીતસર કરગર્યા હતાં અને ફરિયાદ કરતાં માંડ રોક્યા હતાં. દરમિયાન ઘટનામાં એક નવા પાત્રનો પ્રવેશ થયો, તેનું નામ નિકિતા ઝાલા (નામ બદલાવ્યું છે) અને તેણે પોતાનો પરિચય ઙજઈં તરીકે આપ્યો અને જીદ કરી કે તેને કહેવાતા આરોપી શરદભાઈને મળવું છે! અને જો નહીં મુલાકાત કરાવો તો કોનું મર્ડર થાય છે એ જોજો! પછી શરદભાઈ પર એ નિકિતા ઝાલાનાં ફોન કોલ અને ધમકીઓ શરૂ થઈ. બહેન પોલીસ ખાતામાં છે કે નહીં એ અંગે પણ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ એક વાત નક્કી છે કે, મામલામાં એટલાં બધાં પાત્રો ઉમેરાતાં ગયા કે આખું કોકડું વધુ ને વધુ ગુંચવાઈ ગયું. આખો મામલો એટલી હદે ગોટે ચડ્યો કે ડીમાન્ડ 20 લાખથી વધીને 40 લાખ સુધી પહોંચી ગઈ. સતત ઉઘરાણીથી કંટાળી છેવટે જયેશભાઈએ પોલીસમાં આ અંગે અરજી કરી. અરજી આપ્યા પછી શું થયું?
પોલીસની ઓળખ આપી બ્લેકમેઈલ કરનાર મહિલા કોણ?: તપાસનો વિષય
શું છે આખો મામલો?
રાજકોટમાં પશ્ર્ચિમ વિસ્તારમાં રહેતાં અને ઈન્ફોટેકના વ્યવસાય સાથે સંકળાયેલા એક શખ્સ સાથે હનીટ્રેપનો ગજબનાક ખેલ રચાઈ ગયો છે અને યુવતીઓને ચૂપ રહેવા માટે આ શખ્સે લાખો રૂપિયાનો નૈવેદ્ય ધરવો પડ્યો છે. જયેશભાઈ (નામ બદલાવ્યું છે) ઈન્ફોટેકના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ દેવાંશી (નામ બદલાવ્યું છે) નામની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. દેવાંશીની ભલામણથી નિલિમા (નામ બદલાવ્યું છે) નામની યુવતીને તેમણે નોકરી પર રાખી હતી. દરમિયાન તારીખ 18 જાન્યુઆરીએ જયેશભાઈના ક્લાયન્ટ શરદભાઈ પાટીદારે (નામ બદલાવ્યું છે) મુંબઈ ખાતે એક ઈન્ફોટેકને લગતું કામ સોંપ્યું. જયેશભાઈ વ્યસ્ત હોવાથી તેમણે તેમનાં સ્ટાફનાં નિલિમા, તથા હિમાલી (નામ બદલાવ્યું છે)ને મુંબઈ મોકલી હતી. શરદભાઈ ઓલરેડી ત્યાં મુંબઈ ખાતે હાજર હતાં. ત્યાંનું કામ પૂર્ણ થયા બાદ લેડિઝ સ્ટાફને હોટેલમાં સૂઈ જવા શરદભાઈએ જણાવ્યું હતું. પરંતુ સવારે છ વાગ્યા આસપાસ જયેશભાઈના મોબાઈલ પર સ્ટાફની અન્ય યુવતી પ્રિયાનો ફોન આવ્યો અને તેણે જયેશભાઈને કહ્યું કે, ‘મુંબઈ ગયેલી બેય સ્ટાફની યુવતીઓ દેવાંશી અને નિલિમા આપણાં જૂનાં ક્લાયન્ટ શરદભાઈ પર યૌન શોષણના ખોટાં-બેફામ આક્ષેપો કરી રહી છે!’ એ પછી 11 વાગ્યાની આસપાસ દેવાંશીનો જયેશભાઈ પર ફોન આવ્યો હતો અને મામલો પતાવવા સાત લાખ રૂપિયાની માંગણી જયેશભાઈ પાસે કરી હતી. જયેશભાઈએ બધી તપાસ કરી હતી. તેમણે દેવાંશીને કહ્યું કે, આવું કશું બન્યું જ નથી. પણ દેવાંશી ટસની મસ નહોતી થઈ. જયેશભાઈએ થોડો સમય માંગ્યો. પણ પેલી જીદ પર ચડી હતી. તેણે 25 હજાર તાત્કાલીક મોકલવા જણાવ્યું- જે જયેશભાઈએ ગૂગલ પે થકી મોકલી આપ્યા. એ પછી ખેલ શરૂ થયો હાર્ડકોર બ્લેક મેઈલિંગનો. સાત લાખમાંથી દેવાંશીની માંગણી વીસ લાખ પર પહોંચી અને વધતાં વધતાં છેક ચાલીસ લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ. આખરે મામલામાં સચ્ચાઈ શું હતી? શું શરદભાઈએ ખરેખર કોઈ કૃત્ય કર્યું હતું? શું જયેશભાઈ તેમને છાવરી રહ્યાં હતાં? આ પ્રશ્ર્નોના જવાબ નિરૂત્તર છે. પરંતુ એક વાત એવી આવી છે કે બેઉ પાર્ટી વચ્ચે ‘બેઠક’ થઈ ગઈ છે. જો કે, આ વાત હજુ પૂરેપૂરી દબાઈ નથી, ડુંગળીનું એક જ પડ ખૂલ્યું છે, ઘણાં પડ ખોલવાનાં બાકી છે.