સટોડિયા ટોમી પટેલે સિંધુભવનના બંગલાનું બાંધકામ જાતે જ હટાવ્યું
વડોદરામાં કુખ્યાત ફિરોઝાબાનુનું ગેરકાયદે બાંધકામ ધરાશાયી: સુરતમાં વરાછા-લસકાણામાં ડીમોલિશન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ સફાળી જાગી ઉઠેલી પોલીસે 100 કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા 7 હજારથી વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદે બાંધકામ ખડક્યા હોય કે વીજચોરી કરતા હોય તેની સામે બુધવાર(19 માર્ચ)થી જ એકશન લેવાનું શરૂ કરી દીધું છે.
ગુરુવારે અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કુખ્યાત ગુનેગારોએ ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. તંત્રની આ કામગીરી આજે પણ યથાવત રહેશે.
અમદાવાદ શહેરમાં વસ્ત્રાલની ઘટના બાદ કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે. બુધવારે જ્યારે અમદાવાદના મનપસંદ જિમખાનામાં ડિમોલિશન કામગીરી કરવામાં આવી ત્યારે ખુદ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય હાજર રહ્યા હતા.
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ઔડાની ગોપાલ આવાસ યોજનામાં આરોપીઓ દ્વારા કરવામાં આવેલા દબાણ દક્ષિણ-પશ્ર્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા હતા. વિદ્યા પરમાર, કમલેશ પરમાર, વિશાલ પરમાર અને રાહુલ પરમાર નામના આરોપીઓ દ્વારા ઔડાની જ આવાસ યોજનામાં 520 ચોરસ ફુટ માર્જિનની સરકારી જગ્યામાં ગેરકાયદેસર પાકું મકાન, દુકાનો અને પતરાવાળા મકાનો બનાવી દેવામાં આવ્યા હતા.
ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવાયુ છે, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પૈકી વરાછા અને લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વરાછામાં બે જગ્યા પર ડિમોલિશન હાથ ધરાયું છે. જ્યારે લસકાણામાં પણ બે જગ્યા પર ડિમોલિશન હાથ ધરાયું છે. સાંજે વરાછામાં વધુ એક ડિમોલિશન કરવામાં આવશે.



