અગરિયા પરિવારો મીઠું પકવવા માટે રણ તરફ પ્રસ્થાન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
સુરેન્દ્રનગર સહિત ત્રણ જિલ્લાના સીમાડે આવેલા કચ્છના નાના રણમાં મીઠું ઉત્પાદનનો વ્યવસાય કરતા અગરિયા પરિવારો હવે ફરીથી રણ તરફ પ્રસ્થાન કરવા લાગ્યા છે. મીઠાના ઉત્પાદનની સિઝન શરૂ થતા અગરિયા પરિવાર ઘરની જરૂરી સામગ્રી લઈ રન તરફ જઈ રહ્યા છે. એક વર્ષના આઠ મહિના સુધી અગરિયા પરિવારો રણમાં જ વસવાટ કરે છે.
દેશમાં ઉત્પાદન થતું 75 ટકા મીઠું કચ્છના નાના રણમાંથી બહાર આવે છે ત્યારે આ મુઠી ઉત્પાદન કરતા અગરિયા પરિવારો બાર મહિનાથી આઠ મહિના જેટલું જીવન રણમાં વિતાવે છે. મીઠું પકવવાના વ્યવસાય સાથે સંકળાયેલા અગરિયા પરિવારો ચોમાસાના ચાર મહિના માટે રણમાં વરસાદી પાણી ભરવાને લીધે દરિયા જેવો માહોલ હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેવા માટે ચાલ્યા જાય છે જે બાદ ફરીથી ચોમાસાની સિઝન પૂર્ણ થતા મીઠું પકવવા માટે પિતાની ઘર વખરી લઈને રણમાં નાનું ઝૂંપડું બનાવી વસવાટ કરી મીઠા ઉત્પાદનનો વ્યવસાય કરે છે. આધુનિક દુનિયાથી દૂર લાઇટ, પાણી અને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા વગર આઠ મહિના સુધી અગરિયાઓ અહીં રણમાં જ વસવાટ કરી મીઠાનું ઉત્પાદન કરે છે ઉનાળામાં ધીમધગતી ગરમીમાં પણ અગરિયા કાળી મજૂરી પોતાના અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખૂબ જ મહેનત કરે છે ત્યારે ફરીથી મીઠાની સિઝન શરૂ થતા ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાના ચાર મહિના માટે મહેમાન બનેલા અગરિયા પરિવારો ફરીથી રણ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે.