સીઝ થયેલા મશીનોની હેરફેર અને આર્થિક લેવડ-દેવડનું મોટું સ્કેન્ડલ બહાર આવવાની સંભાવના, તંત્રની સ્થળ તપાસ જરૂરી
સ્થાનિક પોલીસ અને ખનીજમાફિયાઓ વચ્ચે ગાઢ સંબંધ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરના દરિયાઈ પટ્ટામાં અનધિકૃત ખાણકામને લઈને વહીવટી તંત્ર, રેવન્યુ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે. દર વર્ષે કરોડો રૂપિયાના ગેરકાયદેસર ખનનના કેસ સામે આવતા હોય છે, અને તંત્ર દ્વારા સીઝ કરી રાખવામાં આવેલા ચકરડી મશીનોનો હેરફેરનું મોટું કૌભાંડ હોવાનું બહાર આવી રહ્યું છે. ખાસ કરીને નવીબંદર પોલીસ મથકના વિસ્તારમાં સીઝ કરાયેલા મશીનોની ખોટી લેવડદેવડ થઈ રહી હોવાની આશંકા છે. જાણકાર સૂત્રોનું કહેવું છે કે સીઝ કરાયેલા નવા અને સારા મશીનોની જગ્યાએ જૂના અને ખોટા મશીનો મૂકીને તેની જગ્યાએ મોટા પેમેન્ટના આધારે વેપાર થઈ રહ્યો છે. વર્ષો પહેલા પણ પોરબંદરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સીઝ કરાયેલા મશીનોને બદલી નાખવામાં આવ્યા હતા, પરંતુ હવે તો તંત્ર દ્વારા કોઈ પણ મશીનનો જથ્થો સાચવી રાખવામાં આવતો નથી. જો વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે, તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે. પોલીસ મથકના કેટલાક લોકો અને ગેરકાયદેસર ખાણકામ ચલાવતી શખ્સો વચ્ચે કોઈ ગાઢ સંબંધ છે કે કેમ, એ પણ તપાસની અગત્યની બાબત બની રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીઝ કરાયેલા મશીનોને છુપાવવાના અને બદલવાના નરમાશીલેક કીમિયા અપનાવવામાં આવે છે. જૂના અને ખરાબ મશીનોની જપ્તી દર્શાવીને સારા મશીનો ગેરકાયદેસર રીતે છૂપાવી દેવાતા હોવાનો આક્ષેપ પણ સામે આવ્યો છે.
સ્થાનિક લોકોમાં આ મામલે ભારે રોષ છે. ઘણા લોકોનું માનવું છે કે જો તંત્ર દ્વારા ત્વરિત તપાસ ન કરવામાં આવે, તો આ કૌભાંડ વધુ મોટું બની શકે છે. રેવન્યુ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ માટે આ મુદ્દો ખૂબ જ ગંભીર છે, કારણ કે જો સીઝ કરાયેલ મશીનોની હેરફેર થતી રહી, તો ગેરકાયદેસર ખનન કરનારા ખનીજમાફીયાઓ વધુ બેફામ બની જશે. પોરબંદરના દરિયાઈ પટ્ટામાં કોનું રાજ ચાલે છે? શાસન તંત્ર અને પોલીસ શું માત્ર દર્શક બની રહી છે? શું આ કૌભાંડમાં મોટા રાજકીય હસ્તીઓ પણ સંડોવાયેલા છે? જો વહીવટી તંત્ર આ મામલાને ગંભીરતાથી લે અને સ્થાનીક સ્તરે સીલ કરાયેલા તમામ મશીનોની સ્થળ તપાસ કરે, તો અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. આ મામલે તાત્કાલિક તપાસ કરવી જરૂરી છે. જો તંત્ર યોગ્ય તપાસ હાથ ધરે, તો આ કૌભાંડ ભવિષ્યમાં ગુજરાતભરમાં મોટું આર્થિક અને વહીવટી કૌભાંડ બની શકે છે. હવે જોવાનું એ રહ્યું કે, તંત્ર આ મામલે પગલાં લે છે કે નહીં? અને જો લે છે, તો શું ખરેખર જવાબદાર શખ્સો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે?