માર્જિન વધારી આપવામાં કંપનીઓ દ્વારા અપાતી લોલીપોપનો વિરોધ
ખાસ-ખબર સંવાદદાતા
ફરી એક વખત પેટ્રોલ પંપના ડીલરો દ્વારા ઓઈલ કંપનીઓની તાનાશાહી સામે આવતીકાલે વિરોધ નોંધાવશે, આવતીકાલે ગુરુવારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના 1200 પેટ્રોલ પમ્પમાં સીએનજી નું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં કમિશન વધારવાના મુદ્દાઓને લઈને પેટ્રોલ પંપ ડીલર લડાયક મુડ અખત્યાર કરીને લાંબા સમય સુધી દર ગુરૂવારે સીએનજી નું વેચાણ બંધ કર્યું હતું અને પેટ્રોલ સીએનજી ની ખરીદી પણ અટકાવી દીધી હતી. આ દરમિયાન ઓઇલ કંપનીઓ દ્વારા ઠાલા આશ્વાસન આપવામાં આવ્યા હતા અને કમિશન માર્જિન વધારી આપવામાં આવશે તેવી ખાતરી બાદ પણ આ જ દિવસે સુધી આ નિર્ણય અમલમાં આવ્યો નથી આથી અંતે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા આવતીકાલે સીએનજી નું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર જણાવે છે 3 વર્ષ થઇ ગયા છતાં અમારા ડીલર માર્જિનમાં કોઈ વધારો થયેલ નથી .આ બાબતે અમે ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરેલ છે. જેનું નિરાકરણ નહીં આવતા તા 17 .02. 2022 ને ગુરુવારે ગુજરાતના તમામ 1200 સીએનજી પમ્પ બપોરે 1 કલાક થી 3 કલાક સુધી સીએનજીનું વેચાણ બંધ રાખશે. અમારા ગ્રાહકોને તકલીફ પડશે તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે. અમે આ અંગેની જાણ ત્રણેય ઓઇલ કંપનીને કરી આપેલ છે.