સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો
-પ્રેમશંકર ભટ્ટી
ગુરુ પૂર્ણિમા જેવો તહેવાર હમણાં ગયો અને તે સમયે શિક્ષકોને ગુરુ કહેવામાં આવે છે તો તે બાબતે થોડી સ્પષ્ટતા કરવામાં ઇરાદાથી આ લેખ લખ્યો છે. શિક્ષણના વ્યવસાય સાથે છેલ્લાં આઠ વર્ષથી વધુ સમયથી સંકળાયેલા હોવાના કારણે આજે અમુક બાબતો વિષે લખવાનું મન થયું છે તો લખું. ઘણી બાબતો ખોટી ખોટી ચગાવવામાં આવી છે તો તે વિશે થોડી સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન છે. સમાજમાં શિક્ષકોની મહત્તા તથા સ્થાન વિશે જોઈએ તો બે વિરોધાભાસી બે અંતિમો જોવા મળે છે. એટલિસ્ટ મને તો એમ જ લાગે છે. એક બાજુ શિક્ષણની વાત આવે એટલે ગુરુ શબ્દ જ મન ફાવે તેમ ઉછાળવામાં આવે, સ્વામી વિવેકાનંદ, એપીજે અબ્દુલ કલામ, નચિકેતા, સાંદિપની થી લઈને વિદેશના હેલન કેલર કે આઈન્સ્ટાઈન સુધીની ચર્ચા થાય,ગુરુ પૂર્ણિમા ના દિવસ તથા શિક્ષક દિન પર શિક્ષકોને ઉછળી ઉછળીને વિશ કરવામાં આવે, તેના પર આધારિત સ્ટેટસ મૂકવામાં આવે, શિક્ષકોને માતા ભગવાનની સમાન દરજ્જો આપવાની વાતો થાય. – આ એક અંતિમ છે તો શિક્ષકોને ઘર ચાલે તેટલો પણ પગાર ન મળે કે કોઈ માણસ શિક્ષક હોય તો બાય ડિફોલ્ટ તેને બોરિંગ કે વેદિયા-પંતુજી નું લેબલ મારવામાં આવે (સ્વાનુભવ છે!), શિક્ષકનું કામ તો કોઈપણ કરી શકે તેવી માન્યતાને પોષવામાં આવે(આ પણ જોયેલું છે!), કોઈપણ વ્યક્તિ શિક્ષક તરીકે ચાલે તેવું માનવામાં આવે છે. – આ પણ એક અંતિમ છે. આ બંને અંતિમો વચ્ચે મને જેટલો અનુભવ છે તેના દ્વારા એક નાનકડો પુલ બનાવવાનો પ્રયત્ન! મારા વ્યવસાયના આજે ઘણા મિત્રો અભિમાનમાં રાચતા હોય,જેને અમારે ત્યાં રાજકોટમાં ’હવા ભરાઈ જવી’ કહેવાય છે તેવી પરિસ્થિતિમાં હોય છે. “હું હીરા ઘસુ છું પણ વર્ગોમાં!”, “શિક્ષક કભી સાધારણ નહિ હોતા…”, “રાષ્ટ્રનિર્માણ કરું છું” જેવા વાક્યો વાર-તહેવારે સ્વાદાનુસાર આજુબાજુના લોકો પર રોલો પાડવા માટે ભભરાવવામાં આવતા હોય છે. આ બધા મિત્રો ને મારે ખાલી એટલું પૂછવાનું કે તમે આ જેટલા કવોટ્સ ઉછાળો છો તેમાં તમારો પોતાનો અનુભવ કેટલો? ઘણા મિત્રોને વાત કડવી લાગશે પણ પ્રેક્ટીકલી જુઓ તો આપણે કોર્સ પરીક્ષાને માર્કમાંથી એટલા ઊંચા નથી આવતા કે ખરેખર શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન દઈએ, જે ખરું શિક્ષણ છે તેના પર ધ્યાન ધરીએ. શિક્ષણ એટલે ખાલી પરીક્ષામાં સારા માર્ક લાવવા તેમ જ નથી. બરછટ પ્રામાણિકતાથી કહું તો જે શિક્ષકોને પાઠ્યપુસ્તક વગર ચાર પાંચ લીટી ભણાવતા ફાવતું ન હોય, અભ્યાસક્રમ સિવાયની ત્રણ ચાર બાબતો પણ જેણે વિદ્યાર્થીઓને શીખવી ન હોય અને જેમને જોઈને વિદ્યાર્થીઓના ચહેરા પર કંટાળો છવાઈ જતો તેઓને કોઈપણ મહાપુરુષોના કોઈપણ જાતના શિક્ષકોના કવોટ્સ ટાંકીને ગર્વ અનુભવવા નો કોઈ હક નથી. વાલીઓ વિદ્યાર્થીઓ આપણને એટલું માન આપે એ અલગ બાબત છે પણ આપણને આપણે કેટલા પાણીમાં છીએ એ ખબર હોવી જોઈએ. મહાન કાર્ય કે ગમે એવું કાર્ય કરવાની પૂર્વશરત મારા માટે એ છે કે આપણે કોઈ મહાન કામ કરીએ છીએ એવો ફાંકો મનમાંથી કાઢીને સહજતાથી કામ કરવું. આપણે જે કામ કરીએ છીએ તેનું આપણને વેતન મળે છે કોઈ સેવા કરતા નથી! ખોટા ગર્વ કે ખોટા માન નો આગ્રહ નહીં રાખવો.
ઘણા વાલીઓ કે અન્ય લોકોને શિક્ષકોની કોઈ વાત સાંભળવા મળે કે તરત જ તેઓ “તમે તો ગુરુ છો”ની માળા જપવા માંડે. શિક્ષકો પાસે આવીને આદર્શ વ્યક્તિત્વ ગુરુ-શિષ્ય પરંપરા ની વાતો કરવા માંડે. આવા લોકો એ બધાને મારે એટલું જ કહેવાનું કે શિક્ષકો પણ આખરે માણસો છે એમને પણ ગુસ્સો આવે એમને પણ થોડી રાહતની ઈચ્છા હોય! મોટા ભાગના વડીલોનો એમની જુરાસિક કાળની દંતકથાઓ કહેતા જોયા છે કે અમે તો માસ્તરને શેરીમાં જોઈએ તો રસ્તો ફેરવી લેતા અને આજે….! તમારી વાતો તમારી પાસે રાખો. હવે નું શિક્ષણ ’આત્મીયતા’ માંગે છે. વિદ્યાર્થીના મિત્ર બનીને તેને જણાવવું એ અત્યારના સમયની માંગ છે તેના માટે આદરનો દુરાગ્રહ છોડીને નિખાલસતા નો જોખમી પણ અસરકારક માર્ગ અપનાવો પડે. શિક્ષકે પોતાનું સન્માનનીય સ્થાન છોડીને પણ વિદ્યાર્થીની સાથે બેસવું રહ્યું એવું હું માનું છું, બીજા સહમત હોય કે અસહમત!બાકી ગુરુ શિષ્યના સંબંધો કોઈ વાત કરવી જ નહીં. હે જડસુ આત્માઓ, એ સમયમાં માતા-પિતા સળંગ દસ દસ વર્ષ કોઈના વિશ્વાસ પર બાળકોને આશ્રમમા મૂકતા અને અમે તમારા દેવના દીધેલ ને ખાલી એક બે કડવા શબ્દો કહીએ તો પણ ખબખબ કરતા હાલ્યા આવો છો! બેશક શિક્ષણ એ જ્ઞાનને સ્પર્શતી બાબત છે પણ ખાલી જ્ઞાન એ જ શિક્ષણ નથી.જ્ઞાનની સાથે કલ્પનાશીલતા અને મનોરંજન એ બે ગુણો પણ શિક્ષકની આવડતના માપદંડ હોવા જોઈએ. ઘણા શિક્ષકો જ્ઞાની હોય છે પણ તેમના જ્ઞાન મુજબનું ’ડિલિવર’ કરી શકતા નથી. તેના સ્થાને ઘણા શિક્ષકો શાસ્ત્રીય રીતે ઓછા જ્ઞાની હોય તો પણ તેમને જેટલું આવડતું હોય કલ્પનાશીલતા વડે તેમાંથી મોટા ભાગનું પોતાના વિદ્યાર્થીઓને આપતા હોય છે. એવા શિક્ષકો નું મહત્વ સમજવું રહ્યું. મને સૌથી વિચિત્ર અને વાહિયાત લાગતી અને ક્યારેય ગળે ન ઉતરતી બાબત વધુ આવડત ધરાવતા અને ક્વોલિફાઈડ શિક્ષકોને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ધોરણમાં ભણાવવાનું સોંપાય અને પ્રાથમિક ધોરણોમાં ઓછા પગાર માં પોસાતા શિક્ષકોને રખાય એ છે.
જેમ બકાલા વાળો બટાકા ટામેટા જોડે લીમડા ની ડાળી મફત આપે એમ પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતીના શિક્ષક સાઈડમાં સામાજિક વિજ્ઞાન લેતા હોય અથવા એમને સોંપવામાં આવે આવી સ્થિતિ છે. સૌથી સારા, કૌશલ્યવાન અને ક્વોલિફાઈડ શિક્ષકોએ જ પ્રાથમિક ધોરણો ભણાવવા જોઈએ. ત્યારે બાળકનું મન કોરી પાટી જેવું હોય છે. બેશરમ થઈને કહું છું કે પૈસા વધારે મળતા હોત તો પ્રાથમિક ધોરણોમાં હું ભણાવતો હોત. હું શું કામ ભણાવું છું?! સાવ સાચું કહું તો પૈસા માટે પણ તેના પછી અને અમુક વાર તેના કરતાં વધુ મહત્વની બાબત મને મજા આવવી જોઈએ એ છે. દુનિયા પૈસા ઉપર ચાલે છે અને મને મારા કામમાં સારા પૈસા મળે છે. તેના સિવાય મને મારી આવડત નો અહેસાસ છે અને તેના દ્વારા મને મારા કામમાં આનંદ મળે છે તે મારું વળતર છે. હું મારા લેક્ચર દરમિયાન મારા વિદ્યાર્થીઓના ચહેરા જોવા માટે ટેવાયેલો છું. આટલા વર્ષોમાં ચુનંદી ક્ષણો માણી છે જે દરમિયાન મને લાગે કે વિદ્યાર્થીઓને મારા લેક્ચરમાં બહુ મજા આવી અને પૂરા રસ થી તેઓ ભણ્યા બસ આ ક્ષણોની યાદો એ મારી સૌથી અનમોલ મૂડી છે. જે દિવસે હું સારું ભણાવું નહીં તે દિવસે મારો મૂડ ખરાબ હોય અને જે દિવસે હું સારું ભણાવો તે દિવસે હું ખૂબ ખુશ હોય. – બસ મારા શિક્ષક હોવાનો અર્થ આ છે. વિદ્યાર્થી છે તો શિક્ષક છે. શિક્ષક કરતાં વધુ મહત્વ વિદ્યાર્થીનું છે. શિક્ષક એ પોતે વિકસીત વિદ્યાર્થી જ છે.
પૂર્ણાહુતિ:
હું કોઈને કંઇ શીખવી શકતો નથી પણ માત્ર તેમને વિચારતા કરી શકું છું
– સોક્રેટિસ