ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં મોરબી તાલુકાનાં માનસર અને નારણકા ગામ વચ્ચેના રસ્તાની હાલત બિસ્માર છે. ગોરખીજડીયા, વનાળીયા, નારણકા, માનસર સહિતના ગામોના સરપંચોએ ગત તા. 24 માર્ચના રોજ માર્ગ મકાન વિભાગ મોરબીના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરી વાવડી પાટીયાથી નારણકા સુધી ડામર પટ્ટી રોડ પેચવર્ક કરવા માંગ કરી હતી પરંતુ આજ દિન સુધી રોડનું પેચવર્કનું કામ ન થતાં માળિયાથી મોરબી સુધી રોજ અપડાઉન કરતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ગત તા. 24 માર્ચની સરપંચોની રજૂઆત બાદ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જયંતિભાઈ પડસુંબિયાએ રોડને રિપેર કરાવવા તસ્દી લીધી હતી અને તા. 07 મે ના રોજ વાવડીના પાટીયાથી વનાળીયા સુધીના રોડનું પેચવર્ક કામ હાથ ધર્યું હતું ત્યારે નારણકા-માનસર વચ્ચેના રોડના પેચવર્કનું કામ જાણે ન કરવા જેવું લાગ્યું હોય તેમ છોડી દીધું હતું ત્યારબાદ આ અંગે નારણકા ગામના સરપંચે મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કામ ન થતાં વરસાદી માહોલમાં મસમોટા ગાબડાંમાં અકસ્માત સર્જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્રણ વર્ષ અગાઉ નારણકા અને માનસર ગામ વચ્ચે પસાર થતાં આ રોડમાં મચ્છુ-3 નંબરની અંડરગ્રાઉન્ડ કેનાલ પસાર થઈ હતી જે મંજુરીને લઈને રોડનું ખોદકામ કર્યું હતું પરંતુ ત્યારબાદ આજ દિવસ સુધી તેમણે પણ કેનાલનું કામ પુર્ણ કરી રોડ ઉપર માત્ર માટી નાખી ખાડાની હાલતમાં છોડી દીધો હતો. હાલમાં ચીકાસવાળી માટી હોવાના કારણે પસાર થતાં વાહનચાલકોમાં અકસ્માત સર્જાવાનો ભય રહે છે.