શૈલવાણી
– શૈલેષ સગપરિયા
વલસાડ જિલ્લાના કિલ્લા પારડી શહેરમાં કલરવ નામની બાળકોની એક હોસ્પિટલ છે. ડો. કાર્તિક ભદ્રાની આ હોસ્પિટલમાં લગભગ સાતેક વર્ષ પહેલાં એક દંપતી એના નાના બાળકને લઈને સારવાર માટે આવ્યું. બે વર્ષની ઉંમરના બાળકને ન્યુમોનિયાએ પૂરી રીતે એના કબજામાં લઈ લીધો હતો અને બાળક સીરિયસ હતો. ડો. ભદ્રાએ બાળકની યોગ્ય સારવાર કરી અને ભગવાનની કૃપા ભળી એટલે બાળક બચી ગયો. એકાદ અઠવાડિયાના રોકાણ પછી બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. દીકરો બચી ગયો છતાં મા-બાપના ચહેરા પર વેદના હતી કારણ કે માંડ માંડ ગુજરાન ચલાવતા આ આદિવાસી દંપતી પાસે હોસ્પિટલનો ચાર્જ ચૂકવવા પૂરતા પૈસા નહોતા.
- Advertisement -
ડોક્ટરે ગરીબ આદિવાસી દંપતીને કહ્યું, “તમે કોઈ ચિંતા ન કરો, બાળક બચી ગયું એ જ આપણા માટે મોટી વાત છે. ફી તમારાથી થાય તો આપી જજો.” દંપતી માયાળુ ડોક્ટરનો આભાર માની પોતાના જીવનપ્રાણ સમા દીકરાને લઈને વિદાય થયા.
કેટલાંય વર્ષો વીતી ગયાં. લગભગ 7 વર્ષ પછી આ દંપતી એમના 9 વર્ષના દીકરાને સાથે લઈને કલરવ હોસ્પિટલમાં આવ્યાં. ડોક્ટર તો આ દંપતીને ભૂલી ગયા હતા એટલે એણે તો સીધું એમ જ પૂછયું કે બાળકને શું તકલીફ છે ? છોકરાના પિતાએ કહ્યું, “સાહેબ, બાળકને કોઈ તકલીફ નથી. અમે તો બાકી પૈસા માટે આવ્યા છીએ.” ડોક્ટરને કંઈ સમજ ન પડી એટલે પૂછયું કે મારે દેવાના બાકી છે ? છોકરાના પિતાએ સ્પષ્ટતા કરતાં કહ્યું, “સાહેબ, તમારે નહીં, મારે દેવાના છે. તમે ભૂલી ગયા હશો પણ 7 વર્ષ પહેલાં આને ન્યુમોનિયાની સારવાર માટે તમારી હોસ્પિટલમાં દાખલ કરેલો, ત્યારે હોસ્પિટલનું બિલ ચૂકવવાના અમારી પાસે પૈસા નહોતા. તમે કહેલું કે જ્યારે થાય ત્યારે દેજો. અમે મહેનત-મજૂરી કરીને માંડ-માંડ પૂરું કરીએ છીએ એટલે થોડી થોડી બચત કરતા કરતા 7 વર્ષે ભેગી થયેલી આ રકમ તમને આપવા અને ઋણ ઉતારવા આવ્યા છીએ.” આટલું કહીને એ ભાઈએ બિલની રકમ ડોક્ટરના ટેબલ પર મૂકી.
ગામડાના અભણ આદિવાસીની નૈતિકતા જોઈને ડોક્ટરની આંખો પણ ભીની થઈ ગઈ. ડોક્ટરે પોતાના પાકીટમાંથી થોડા રૂપિયા આ રકમમાં ઉમેર્યા અને પેલા ભાઈને પાછા આપતાં કહ્યું, “ભાઈ, તારી પ્રમાણિકતાનું બીજું તો શું ઇનામ આપું ? મારા કરતાં ક્યાંય અમીર હોય એવા કેટલાય લોકો બાકી ફી દેવા આવતા નથી અને માંડ માંડ પેટિયું રળતો તું સાત વર્ષ પછી પણ પૈસા આપવા આવ્યો છો. આ બધી રકમ તારા આ દીકરાના અભ્યાસ માટે હું તને પરત આપું છું.” પેલા ગરીબ આદિવાસીએ રકમ પરત લેવાની ના પાડી એટલે ડોક્ટરે કહ્યું, “આ તને નહીં તારા દીકરાને આપું છું. તેં તારી બાકી ફી આપીને ઋણ ચૂકતે કરી દીધું એટલે આપણો વહીવટ પતી ગયો. આ તો હું મારા તરફથી તારા પોયરાના ભણતર માટે આપું છું, એટલે એ પણ ભણીગણીને મારા જેવો મોટો સાહેબ થાય અને લોકોની સેવા કરે.”
- Advertisement -
આજના ક્લુષિત વાતાવરણમાં ચારે બાજુથી દિલ દુભાવનારા સમાચારો જ વાંચવા, સાંભળવા અને જોવા મળે છે, એવા સમયમાં આ ગરીબ આદિવાસીની નૈતિકતા અને ડો. કાર્તિક ભદ્રાની માણસાઈ હૈયાને ટાઢક આપે છે.
અશક્ય પણ શક્ય બની શકે
જોવેલ નામનો એક બાળક એની માતા સાથે ચેન્નાઈની શેરીઓમાં ભીખ માંગવાનું કામ કરતો હતો અને ફૂટપાથ પર જ માતા સાથે રહેતો હતો. પિતા નાનપણમાં જ અવસાન પામેલા અને માતાને દારૂનું વ્યસન એટલે આખો દિવસ માંગેલી ભીખની રકમ માતાના દારૂમાં જતી રહે. ઘણી વખત તો ભૂખ્યા સૂવાનો વારો આવે. પહેરવા માટે એક જ શર્ટ અને પેન્ટ હતું અને એ પણ ગંદાં. ચોમાસાની ઋતુમાં કોઈની દુકાનના છાપરા નીચે સહારો લેવાનો અને એમાં પણ જો પોલીસના ધ્યાનમાં આવે તો આખી રાત વરસતા વરસાદમાં પલળતા-પલળતા કાઢવી પડે. આવી દારુણ ગરીબીમાં પણ છોકરો કંઈક કરવાનાં સપનાંઓ જોતો. સિગ્નલ પર ભીખ માંગતી વખતે નવી નવી ગાડીઓની અંદર નીરખીને જોયા કરે અને આવી ગાડીમાં બેસવા મળે તો કેવી મજા પડે એની કલ્પના કર્યા કરે. એક દિવસ આ છોકરાનો ભેટો એક સમાજસેવી દંપતી સાથે થયો. ઉમા અને મુથ્થુરામન રસ્તે ભટકતાં અને ભીખ માંગતાં બાળકોના શિક્ષણ માટે કાર્ય કરતાં હતાં. જોવેલનાં સપનાંઓ જાણી આ દંપતીએ જોવેલને ભણાવવાનું નક્કી કર્યું.
ભીખ માંગનારો જોવેલ હવે ભણવા બેઠો. સપનાંઓને પૂરાં કરવા માટે એ દિલ દઈને અભ્યાસ કરતો. 12 સાયન્સ પાસ કર્યા પછી ઓટોમોબાઇલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે જોવેલને ઇંગ્લેન્ડ મોકલવાનું નક્કી થયું. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ પૈકીની એક એવી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા જોવેલે પાસ કરી અને પોતાને જે કારમાં રસ પડતો હતો એ કારના અભ્યાસ માટે કેમ્બ્રિજમાં એડમિશન લીધું. કેમ્બ્રિજમાંથી અભ્યાસ પૂરો કરીને આગળના અભ્યાસ માટે જોવેલ ઇટાલી ગયો. રેસ માટેની કાર તૈયાર કરવાનો એણે વિશિષ્ટ અભ્યાસ કર્યો. ચેન્નાઈની શેરીઓમાં ભીખ માંગતો જોવેલ આજે દુનિયાની ઝડપી ગાડીઓ બનાવવાના કામમાં લાગી ગયો છે. જોવેલનું એક જ સપનું છે કે ઉમા અને મુથ્થુરામન સાથે જોડાઈને ગરીબ બાળકોના અભ્યાસ માટે કામ કરવું છે. જેવી રીતે પોતે એક આદરપાત્ર સ્થાન પ્રાપ્ત કરી શક્યો, એવું સ્થાન અન્ય બાળકોને પણ અપાવવું છે. જીવનમાં કંઈક કરવાનો મનસૂબો હોય તો પરમાત્મા કોઈ ને કોઈ રીતે મદદ કરે જ છે. પરિસ્થિતિ સામે ગોઠણિયે પડવાને બદલે હિંમતભેર સામનો કરતાં શીખીએ.